બલદેવપરી બ્લોગ: કોણ જાગશે, કોણ જગવશે ? ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Saturday 25 August 2012

કોણ જાગશે, કોણ જગવશે ? ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી


વ્હાલા વડીલો અને મિત્રો,
ગુજરાત સમાચારની 22,ઓગસ્ટ, 2012ને બુધવારની “ શતદલ “ પૂર્તિમાં શ્રી પ્રવીણ દરજીનો અત્યંત વિચાર પ્રેરક આવેલ લેખ આપ સૌને પસંદ પડશે અને વિચાર કરવા પ્રેરશે તેમ ધારી મારા બ્લોગ ઉપર મૂકી રહ્યો છું. આભાર !
સ-સ્નેહ
અરવિંદ
કોણ જાગશે, કોણ જગવશે ? ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી
આપણો આજનો સમાજ, આપણી યુવાપેઢી આજે કઈ દિશા ભણી? એવો પ્રશ્ન સમાજશાસ્ત્રીઓને સામાજિક માળખાને સંદર્ભે વિચારવા માટે એકદમ તકાજો કરી રહેલ છે. એક સમયે સમાજના શ્રેષ્ઠ પુરુષો જે દિશામાં વિચારતા હોય તેનો પ્રભાવ આમવર્ગ કે લોક ઉપર પડતો. એ દિશામાં કદમ ભરવા સરેરાશ માણસને મન થતું. સંસ્કારી Elite વ્યક્તિ તેનો આદર્શ હતી. શિષ્ટ પુરુષોનાં વિચાર-વાણી અને ક્રિયાને ચક્રવર્તી રાજગોપાલાચારી જેવાએ તો સંસ્કૃતિની વ્યાખ્યા સાથે સાંકળ્યાં હતાં પણ આજે પરિસ્થિતિ ભિન્ન છે. સંસ્કારી માણસોનો જ દુષ્કાળ છે, ભારોભાર દુષ્કાળ છે. કદાપિ કોઈ એકલદોકલ વ્યક્તિ મળી આવે તો ત્યાંય તેની જીવનશૈલી વિશે તો લગભગ પ્રશ્નો જ રહ્યા હોય છે.
આવા કંઈક કટોકટીભર્યા સમયમાં સામાજિક સમસ્યાઓનો સતત ગુણાકાર થતો રહ્યો છે. ટીન એજર્સથી માંડીને આધેડ કે વૃદ્ધો સુધીનાઓમાં કંઈક ન ધારેલી વર્તણૂંકનો અનુભવ થઈ રહ્યો છે. કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત આ અર્થમાં આજે વધુ ને વધુ પ્રસ્તુત બનતી જાય છે. તો પછી ક્યા માણસોને, કોને 'સંસ્કારી' કે Elite ગણવા ? આની અલબત્ત, કોઈ વ્યાખ્યા તો આપી શકાય તેમ નથી પણ થોડુંએક ભણેલા, પૈસાના જોરે આગળ વધેલા, અથવા સત્તા ભોગવતા, ભ્રષ્ટ શાસકો, ધર્મના ઓથે રજવાડાથી પણ અધિકો વૈભવ માણી રહેલા ધર્મગુરુઓ કે કથાકારો થોડાક ચપળ બૌદ્ધિકો, એવા જ ચપળ વક્તાઓ સમૂહ માધ્યમો જેને વારંવાર ચમકાવ્યા કરે છે તેવી જાણીતી વ્યક્તિઓ અથવા તો સમૂહ માધ્યમો સાથે જોડાયેલી કેટલીક વ્યક્તિઓ, ઊંચાં સરકારી પદો સાથે જોડાયેલા અધિકારીઓ વગેરે વગેરે આજે નવા સમયનાં 'સંસ્કારી' કે Elite વર્ગમાં આવ્યા છે. આવા લોકો પદ-પ્રતિષ્ઠાને જોરે કશું પણ કરી શકે છે. વિપરીત આચરણ એ જ એમનું આચરણ એવું અંદરખાને સૌ લોકો સમજે પણ છે! છતાં દુર્ભાગ્ય તો એ છે કે આવા લોકોની જીવનશૈલીનો જ આમ વર્ગ ઉપર વધુમાં વધુ પ્રભાવ પડવા માંડયો છે. હવે આવો આમવર્ગ દેખાદેખીથી, પેલા કહેવાતા 'સંસ્કારી' જેવું જીવવા મથે છે. એના સંતાનોને તે પણ ઊંચી ફી આપી સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓમાં અભ્યાસ માટે મૂકે છે. તેમના સંતાનોને તગડી ફી સાથે વૈભવી જીવન જીવવા માટે કોઈપણ ભોગે આર્થિક વ્યવસ્થા પણ કરે છે. તે પણ દેખાદેખીથી તેની રોજબરોજની જરૃરિયાત વાળી વસ્તુઓની ખરીદીમાં અમુકતમુક બ્રાન્ડનો જ આગ્રહ રાખે છે. પહેરવાનાં વસ્ત્રોથી માંડીને સાબુ, શેમ્પૂ, બૂટ, પરફ્યુમ્સ, બેગ, ક્રોકરી બધામાં પેલા કહેવાતા 'સંસ્કારી' વર્ગને એ નરમાં રાખે છે. પેલા કહેવાતા 'સંસ્કારી' વર્ગ સાથે તેનો પ્રત્યક્ષ કશો સંબંધ નથી કે તેઓની સાથેનું કશું બિલોન્ગીંગ નથી તો પણ તે તેમના જેવો થવા પ્રયત્ન કરે છે. તે પણ પેલાઓની જેમ જ પોતાના સ્ટેટસ માટે સભાન બનતો જાય છે. અમુક વગર ન જ ચલાવી શકાય તેવી તેની વૃત્તિ દ્રઢ થતી જાય છે. લગ્ન-વિવાહ વગેરેના ખર્ચા પણ પેલા કહેવાતા 'સંસ્કારી'ની જેમ જ તે કરતો થયો છે. પોતે તેમનાથી ઊણો છે તેવું લગીરે સ્વીકારવા તે તૈયાર નથી. તેના ઘેર પણ ટેલિવિઝન, ફ્રીઝ, ઘરઘંટી, અમુક પ્રકારના પલંગ, કમ્પ્યૂટર હોવાં જ જોઈએ તેવું તે 'જંકાર' ઉપર ભાર મૂકીને માનતો થયો છે. તેને ત્યાં શાળા-કોલેજે જતાં દીકરા-દીકરી માટે તો તેણે ટુ વીલર્સ ખરીદ્યાં જ છે પણ પત્ની બાળકોની ઈચ્છાને કારણે લોન ઉપર તે ફોરવીલર્સ પણ ખરીદી લાવે છે. એની કોઈ બીજી ચાર સ્ત્રીઓ સાથે વાતોએ વળગે છે ત્યારે 'આ તો હોવું જ જોઈએ', 'એના વિના તો હું ચલાવી જ ન લઉં', 'હોમથિયેટર વિનાનું તો ઘર જ કેવી રીતે હોઈ શકે?' 'સોનું તો ઠીક, પણ હવે ડાયમન્ડ જ્વેલરી જ હું તો પસંદ કરું છું' વગેરે વગેરે વિધાનો તેની વાતોમાં અચૂક પ્રવેશી ગયેલાં જણાશે. પુરુષવર્ગ પણ શર્ટ-ટ્રાઉજર્સથી માંડીને કાંડા ઘડિયાળ, બેલ્ટ, બૂટ, હેરસ્ટાઈલ ને હેરડાઈ વિશે લગભગ આવા જ ગમા-અણગમાની કથાઓ કહેતો સંભળાશે. કહો કે પરીક્ષા વખતે કોઈ નબળો વિદ્યાર્થી સબળામાંથી કોપી કરે તેવી સ્થિતિનું નિર્માણ થતું જાય છે પણ અહીં તો દુઃખદ બાબત છે કે 'સબળો' વર્ગ જ નથી અને જે કંઈ કહેવાતો 'સબળો' વર્ગ છે તેની પાસે લોકને આપવા જેવું છે જ નહિ છતાં કોપીંગ! પ્લેટોએ એકવાર થોડા જુદા સંદર્ભમાં કહેલું તેમ શૂદ્રનાં બાળકો પણ શૂદ્ર જ હોય ને!
આ બધી વાતો સમૂહમાં, લોક ઉપર રૃઆબ છાંટવા પૂરતી હોત તો થોડુંઘણું પણ ચાલી જાત. અહીં તો ઘાટ 'સ્ટેટસ' થી 'મેન્ટલ સ્ટેટ' સુધી પહોંચ્યો છે. એટલે બાવાનાં બેય બગડયાનો ઘાટ થઈ રહ્યો છે. આવો લોક, એનાં સંતાનો દેખાદેખીથી દેવું કરીને ઘી પીવા ટેવાઈ ગયાં છે. પરિણામે તે માટે જે કંઈ ટૂંકા કે આડા રસ્તા લેવા પડે તે હવે એ લેતો થયો છે. બધું રાતોરાત થઈ જવું જોઈએ - એવી અધીરાઈ અને 'એ આમ કરી શકે તો અમે કેમ નહિ ?' એવો અહમ્ બંને ભેગાં થયાં છે. કદાપિ ટૂંકા માર્ગો શક્ય નથી બનતા તો તેનો અહમ્ તેને ભ્રષ્ટતા, હિંસા કે એવાં બીજાં નકારાત્મક બળો તરફ વાળે છે. તે અસહિષ્ણુ બની જાય છે. અન્યનું સારું તેથી સાંખી શકતો નથી, નજર સામેના વાસ્તવને કે નકરા સત્યને સ્વીકારી શકતો નથી પરિણામે સમજણને પણ પક્ષઘાત થઈ જાય છે. આવો 'લોક' આજે કહેવાતા 'ઉપરના વર્ગ'થી પ્રભાવિત થઈને પોતાનાં મૂળને તો વિસારી બેઠો છે, પણ જ્યાં કે જેની સાથે તેની કશી નિસબત નથી તેને પોતાની નિસબત માની બેઠો છે. આ સર્વનાં માઠાં પરિણામો કેવાં હોઈ શકે તેનાથી આજે કોઈ અજાણ નથી. છાપાના દરરોજના સમાચારોમાં પચાસ ટકા વધુ સમાચારો આવા નકારાત્મકતાથી ભર્યાભર્યા હોય છે. આગળ કહ્યું તેમ, તેમાં ટીનએજર્સ છે, તો આધેડો-વૃદ્ધો પણ છે. આ માત્ર ભોગવાદ જ નથી. રોગવાદ પણ છે. અનેક ખમીરવંતા બનવા જન્મેલાં, પોતાનું શ્રેષ્ઠ બતાવી શકે તેઓ લોક એના ખપ્પરમાં અકાળે હોમાઈ રહ્યાં છે. સમાજનો પિરામિડ ઊંધોચત્તો થઈ રહ્યો છે. આવા લોકની લાગણીઓ સાથે, નબળાઈઓ સાથે, પેલો કહેવાતો 'સંસ્કારી' વર્ગ ખિલવાડ કરી રહ્યો છે. જાત છેતરામણીની, સ્વપ્નો-દીવાસ્વપ્નોની આખી ઈન્ડસ્ટ્રી તેવાઓ પેલા 'લોક' માટે ચલાવી રહ્યા છે. કોણ જાગશે કે કોણ જગવશે?

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE