બલદેવપરી બ્લોગ: બધું જ સારું ક્યારેય નહીં હોવાનું

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Monday 13 May 2013

બધું જ સારું ક્યારેય નહીં હોવાનું


જિંદગીથી દરેક માણસને કોઈ ને કોઈ ફરિયાદ તો હોવાની જ છે. દરેકને એવું લાગતું જ હોય છે કે હજુ જિંદગીમાં કંઈક ખૂટે છે. બસ,આ એક પ્રોબ્લેમ ન હોત તો જિંદગી કંઈક જુદી જ હોત એવું બધાને થતું જ હોય છે. દરેક વ્યક્તિ આશ્વાસન શોધતી ફરે છે. ઉકેલ,નિરાકરણ અથવા સમાધાન માટે માણસ ફાંફાં મારે છે. માણસના મોટાભાગનાં દુઃખનું કારણ તેના સુખ મેળવવાના ધમપછાડામાં છુપાયેલું હોય છે.
સુષુપ્ત જ્વાળામુખી જેવો માણસ અંદરથી સતત ધગધગતો રહે છે અને તક મળતાં જ ધડાકાભેર ફાટે છે. બધાને બધું જ જોઈએ છે અને ખૂબ ઝડપથી જોઈએ છે. બધા મોકાની રાહ જુએ છે, આપણો સમય આવશે ત્યારે જોઈ લેશું. દરેકને કંઈક અને કોઈક નડે છે. દરેક માણસ રોદણાં રડે રાખે છે. કોઈની સફળતા પણ આપણાથી સહન થતી નથી. કેટલા લોકો ખરેખર દિલથી અભિનંદન આપતાં હોય છે? આપણા સુખનો આધાર આપણે બીજા લોકોના સુખને કેવી રીતે સ્વીકારીએ છીએ તેના ઉપર પણ રહેતો હોય છે. મોટાભાગે માણસ કોઈનું સુખ જોઈને વધુ દુઃખી થતો હોય છે. કોઈને કંઈ મળ્યું હોય તો જાણે આપણું છીનવી લીધું હોય એવું આપણને લાગે છે. નસીબનો બળિયો છે હોં એવું કહીને આપણે કોઈની મહેનત કે હિંમતને દાદ આપવાના બદલે એને નસીબથી મળી ગયું હોય એવી લાગણી વ્યક્ત કરીએ છીએ.
જિંદગીએ દરેકને પૂરતું આપ્યું જ હોય છે છતાં દરેકને એવું થતું રહે છે કે, થોડા હૈ, થોડે કી જરૂરત હૈ… ઇચ્છા રાખવી, સપનાં સેવવાં અને બહેતર જિંદગીની અપેક્ષા રાખવામાં કંઈ જ ખોટું નથી પણ કંઈક મેળવી લેવાની લાયમાં જિંદગી જીવવાનું ભુલાઈ ન જવું જોઈએ. જિંદગી એ સુખ અને દુઃખનો સરવાળો છે. ગુલાબનું ફૂલ જોઈતું હોય તો કાંટાને પણ સ્વીકારવા પડે છે. જિંદગીમાં પડકારો તો આવવાના જ છે. આપણી ઇચ્છા મુજબ બધું ક્યારેય ચાલવાનું નથી. વિચાર કરો કે જિંદગી એક જ ઘરેડમાં ચાલતી હોત તો કેવી કંટાળાજનક બની જાત. જેને જે જોઈતું હોય એ મળી જાય છે તેવા લોકોના જીવનમાં સતત કંઈ ખૂટતું રહે છે. કંઈક મેળવવાની અને કંઈક બનવાની ઇચ્છા જ માણસને જીવવાનું તત્ત્વ પૂરું પાડે છે. કોઈ લડાઈ લડયા વગર જીતી શકાતી નથી. લડયા વગર જીતવાનું તો દૂર, હારી પણ શકાતું નથી. જે કોઈ દિવસ હાર્યો નથી એને જીતનો સાચો આનંદ ક્યારેય આવતો નથી.
જિંદગી સામે ક્યારેય ફરિયાદ ન કરો. હા, ઘણી વખત જિંદગી એવા મુકામ પર લાવીને આપણને છોડી દે છે કે આપણને કોઈ રસ્તો નથી સૂઝતો. આવું કંઈ થાય ત્યારે જિંદગીને વહેવા દેવી જોઈએ. જિંદગીના મોટા ભાગના જવાબ જિંદગી જ આપી દેતી હોય છે. જિંદગી પાસે માત્ર સવાલો જ નથી હોતા, જવાબો પણ હોય છે, આપણે બસ એ જવાબની રાહ જોવાની હોય છે. આપણે જવાબ પણ ઝડપથી જોઈતો હોય છે. જવાબ ન મળે ત્યારે આપણા પ્રશ્નો જ ફરિયાદ બની જાય છે. મારી સાથે જ આવું થાય છે. આપણે ભગવાનને પણ પૂછવા લાગીએ છીએ કે તું છે કે નહીં? અને તું છે તો દેખાતો કેમ નથી? દરેક માણસ પોતાની નજરોમાં નિર્દોષ જ હોય છે. ચોર, લૂંટારા અને ખૂનીઓ પણ પોતાને નિર્દોષ જ ગણાવતા હોય છે. કયો ગુનેગાર એવું કહે છે કે મેં ગુનો કર્યો છે અને મને સજા થવી જોઈએ! દરેક પાસે પોતાની નિર્દોષતાનાં કારણો છે અને પુરાવા પણ એ ઊભા કરી દે છે. માણસ જ્યારે કંઈ જ નથી કરી શકતો ત્યારે એ બીજાને દોષ દેવાનું શરૂ કરી દે છે.
એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે હું આખી દુનિયાથી થાકી ગયો છું. દુનિયામાં સારું કશું છે જ નહીં, બધા જ સ્વાર્થી, લુચ્ચા,બદમાશ અને લેભાગુ છે. મને જિંદગીમાં નાલાયક લોકો જ મળ્યા છે. સંત કંઈ જ બોલ્યા વગર તેની વાત સાંભળતા રહ્યા. એ માણસે બોલવાનું પૂરું કર્યું ત્યારે સંતે કહ્યું કે ચાલ મારી સાથે. સંત ઝૂંપડામાં ગયા. એક વાટકીમાં થોડીક ખાંડ લીધી, પછી થોડુંક મીઠું લીધું અને વાટકીમાં નાખ્યું. વાટકીમાં ખાંડ અને મીઠું મિક્સ થઈ ગયું. વાટકી બતાવીને સંતે કહ્યું કે જો ળજિંદગી આવી છે. થોડીક ખારી, થોડીક મીઠી. સંત એ માણસને બહાર લઈ ગયા.
એક ઝાડના થડ નજીક કીડીઓનું દર હતું. સંતે ખાંડ અને મીઠાનું મિશ્રણ કીડીઓના દર નજીક રાખી દીધું. ધીમે ધીમે કીડીઓ બહાર આવી અને ખાંડના કણો ઉઠાવી ગઈ. છેલ્લે માત્ર મીઠું જ બચ્યું. સંતે કહ્યું કે આ કીડીઓને જો, જિંદગીની સમજ આવી જશે. જિંદગીમાં મીઠું પણ છે અને ખાંડ પણ છે, તમને માત્ર ખાંડ ઓળખતા આવડવી જોઈએ. સારા અને ખરાબના મિશ્રણમાંથી તમે જે જોશો એ જ દેખાશે. આપણે ત્યાં કહેવત છે કે જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો જ, પણ આપણે ઉકરડા સામે શા માટે જોવાનું? ગામ સામે જુઓને.
જેની પાસે પરિણામ નથી હોતું એની પાસે એક્સ્ક્યુઝીસ હોય છે. આપણે બધા જ આપણા બચાવનાં કારણો શોધતાં ફરીએ છીએ. ભૂલ સ્વીકારવા જેટલી નિખાલસતા પણ આપણે કેળવી શકતા નથી, ભૂલ કેવી રીતે થઈ તે સમજાવવાનો પ્રયાસ કરતાં ફરીએ છીએ. લોકો પહેલાં એ વિચારે છે કે જો હું ખોટો પડીશ તો શું જવાબ આપીશ? પોતાનો વાંક શોધવો એ સૌથી અઘરું કામ છે. સૌથી સહેલું કામ છે કોઈને દોષ દેવાનું.
આ એક માણસ મને નડે છે. એ મને આગળ આવવા દેતો નથી. એને મારી ઈર્ષ્યા થાય છે. હું સફળ ન થાઉં એવું જ એ ઇચ્છે છે. દરેકને કોઈની સામે ફરિયાદ છે. જિંદગીમાં એક માણસને મારી નાખવાની જો તમને છૂટ આપવામાં આવે તો તમે કોને મારી નાખો?એક માણસે થોડાક લોકોને ભેગા કરીને આવું પૂછયું. બધાએ તેના દુશ્મન નંબરવનનું નામ આપ્યું. પ્રશ્ન પૂછનાર માણસે પછી એટલું જ કહ્યું કે હવે તમે માત્ર એટલું જ કરો કે એને માફ કરી દો, માફ કરીને એને ભૂલી જાવ, કારણ કે જ્યાં સુધી તમે એને ભૂલી નહીં શકો ત્યાં સુધી તમે બીજું કંઈ જ યાદ નહીં રાખી શકો. માણસ તેની મોટાભાગની શક્તિ વેર લેવામાં અને બતાડી દેવામાં વેડફે છે.
જિંદગીમાં બધું જ સારું ક્યારેય નહીં હોવાનું પણ જો તમે માત્ર સારું જ જોશો તો તમને બધું સારું જ દેખાશે. વાંક જોવાવાળાને બધું વાંકું જ દેખાવાનું છે. ચાંદમાં ડાઘ છે પણ તમારે જો ચાંદની – રોશની જ જોવી હોય તો તમને ડાઘ નડતાં નથી. જિંદગી સરળ અને સહજ જ હોય છે, આપણે તેને અઘરી સમજી લેતા હોઈએ છીએ અને અઘરી બનાવી દેતા હોઈએ છીએ. દુનિયા આજે જેટલી સારી છે એટલી અગાઉ ક્યારેય સારી ન હતી એવું સ્વીકારનારને દુનિયા સારી જ લાગે છે. સતયુગ અને કળયુગ પણ આપણા કારણે જ હોય છે, જે સારા છે તેના માટે દરેક સમય સતયુગ જ છે.
છેલ્લો સીન
આપણે જો ભૂલો વિનાના હોત તો આપણને એ બીજામાં શોધવામાં આટલો બધો આનંદ ન આવતો હોત.
-લા રોચેફાઉકાઉલ્ડ.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE