ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
તેઓને હસતાં દેખીને ના રોઈ શકાયું મારાથી,
દુઃખિયા દિલને સંતોષ થયો, ટાણું તો સરસ સચવાઈ ગયું,
જો કોઈ મને પૂછે, તારું આ જીવન કાં બદલાઈ ગયું ?
હું ટૂંકો ઉત્તર વાળું છું, ભોળું હૈયું લલચાઈ ગયું.
-'દિલહર' સંઘવી
સમય ક્યારેય બુઢ્ઢો નથી થતો. માણસ બુઢ્ઢો થાય છે. માણસ જન્મે છે, મોટો થાય છે, જીવે છે અને મરે છે. કોઈની ટૂંકી તો કોઈની લાંબી એક સફર નક્કી છે. જીવન ફક્ત મરવા માટે નથી હોતું,કંઈક કરવા માટે હોય છે. દરેક જીવનું એક મહત્ત્વ છે. દુનિયામાં કંઈ જ સાવ અમસ્તું નથી હોતું. દરેક તત્ત્વનો મતલબ હોય છે. ઘડિયાળ ટીક ટીક કરતી રહે છે પણ સમય મૌન છે. ડિજિટલ વર્લ્ડે તો ઘડિયાળનો અવાજ પણ બંધ કરાવી દીધો છે.
સમયને અવાજ નથી છતાં એ સતત કંઈક કહેતો રહે છે. આપણી સાથે સંવાદ કરે છે. પ્રશ્નો પૂછે છે, જવાબ માંગે છે. અર્થ સમજાવે છે અને ગૂઢાર્થ રચે છે. ક્યારેક કાન ફાડી નાખે એવા અવાજ કરે છે અને ક્યારેક માત્ર ઈશારાથી સમજાવે છે. આપણે સમયની ભાષા સમજીએ છીએ? ઘણી વખત આપણે સમયને અવગણીએ છીએ, ક્યારેક ધિક્કારીએ છીએ, ક્યારેક ઝઘડીએ છીએ, ક્યારેક નારાજ થઈએ છીએ, ક્યારેક પ્રેમ કરીએ છીએ.
એક વખત એક યુવાન ઉદાસ હતો. તેને ક્યાંય મજા આવતી ન હતી. તેણે સમયને પૂછયું કે, તું કેમ ક્યારેય એકસરખો રહેતો નથી? સમયે હસીને કહ્યું કે, હું તો એવો ને એવો જ છું. મને કેમ દોષ દે છે? નારાજ તું થાય છે અને આક્ષેપ મારા ઉપર કરે છે? હું નથી બદલાતો. હું તો એ જ છું. તું બદલાય છે. માણસનું એવું જ છે. બદલાતો પોતે હોય છે અને આક્ષેપ બીજા ઉપર કરે છે. ગુસ્સે પોતે થાય છે અને કહે છે કે એણે મને ગુસ્સે કરી દીધો. હારે છે પોતે અને ફરિયાદ કરે છે કે હરીફે મને હરાવી દીધો. સરવાળે એ જ શબ્દો મોઢે આવી જાય છે કે મારો સમય જ ખરાબ છે.
એક બાળકે તેના દાદાને રમવાનું કહ્યું. દાદા હસીને બોલ્યા કે હું તારા જેવડો નથી. મને થાક લાગે છે. હવે મારો સમય પૂરો થવામાં છે. હું બુઢ્ઢો થયો છું. બાળકને વાત બહુ સમજાઈ નહીં. એ રાતે એને સપનામાં સમય આવ્યો. સમયને બાળકે પૂછયું કે તું ક્યારેય બુઢ્ઢો નથી થતો?તારી ઉંમર વધતી નથી? તું એવડો ને એવડો રહે છે? સમયે કહ્યું કે, કોણે કહ્યું હું એવડો ને એવડો રહું છું? મારી ઉંમર તો યુગોની થઈ છે. કેટલીય સદીઓ મેં જીવી છે અને ખબર નહીં હજુ કેટલું જીવવાનું છે. હું તો બધાને એના ભાગનો સમય વહેંચતો રહું છું. ફૂલને પણ મેં એના પૂરતો સમય આપ્યો છે. પંખીને વિહરવાનો અને માછલીને સરકવાનો સમય આપ્યો છે. હું આપતો રહું છું એટલે જ કદાચ ખૂટતો નથી. એકનો પૂરો થાય એ પહેલાં હું બીજાને સમય આપું છું. મારે એટલે જ કદાચ ખેંચાતું રહેવું પડે છે.
માણસને પણ મેં એના પૂરતો સમય આપ્યો છે. હું એને કહું છું કે તું તારો સમય જીવી લે. હું તેનામાં મોટો થાઉં છું. તેનામાં સમજણ વિકસાવું છું કે તું મોટો થતો જાય એમ વધુ સમજતો થઈ જા. પણ ઘણાં લોકો મારું માનતા નથી અને એવા ને એવા જ રહે છે. હું તો માત્ર સમય આપું છું. કેવી રીતે જીવવું એ તો માણસ નક્કી કરે છે. સમયે બાળકને કહ્યું કે, તારા દાદા તને રમકડું અપાવે અને પછી તું રમકડાંથી ન રમે તો એમાં વાંક તારા દાદાનો નથી. તું રમકડાંથી રમે એટલે જ તને રમકડું લઈ દીધું હોય છે. તું એને તોડી નાખે, ઘા કરી દે, તેને નફરત કરે કે પછી એને પ્રેમ કરે, જે કરવાનું હોય એ તારે કરવાનું હોય છે. મેં તો સમય નામનું રમકડું આપી દીધું, હવે આ જિંદગી જીવવી, વખોડવી, વગોવવી, નફરત કરવી કે પ્રેમ કરવો એ તારે નક્કી કરવાનું હોય છે.
સમયનો સ્વભાવ અટકવાનો નથી. માણસ અટકી જતો હોય છે. માણસ ભટકી જતો હોય છે. માણસ ક્યારેક પોતાને જ ખટકી જતો હોય છે. માણસ ક્યારેક પોતાના હાથમાંથી જ છટકી જતો હોય છે. માણસ પોતાને જ મળતો નથી, પોતાનાથી જ ખોવાઈ જતો હોય છે. માણસ ખોવાઈ પણ જતો હોય છે અને ઓળખાઈ પણ જતો હોય છે. સમય સાથે માણસ વિકસવો જોઈએ. સમય સાથે માણસ વિસ્તરવો જોઈએ અને સમય સાથે વિશાળ થવો જોઈએ. જે અટકી જાય છે એ જ પાછળ રહી જાય છે.
ડિવોર્સનાં કારણોનું સંશોધન થયું તેમાં એક રસપ્રદ કારણ અટકી જવાનું હતું. બે વ્યક્તિ ભેગી થાય છે ત્યારે એકસરખા લેવલ પર હોય છે. બંને સુખ અને પ્રેમ ઇચ્છતી હોય છે. થાય છે એવું કે એક આગળ નીકળી જાય છે અને બીજી ક્યાંક અટકી જાય છે. દરેક દંપતી એકસરખી ગતિથી આગળ વધતા નથી એટલે બંને વચ્ચે અંતર આવી જાય છે. આગળની વ્યક્તિને તેની ઝડપે ચાલતું કોઈ મળી જાય છે અને એ એની સાથે ચાલવા લાગે છે. પાછળ રહી ગયેલી વ્યક્તિ દોષ દેતી રહે છે કે મને એકલી પાડી દીધી. કોઈ માણસને ક્યારેય પોતાનો વાંક લાગતો જ નથી. ઉંમરને આપણે માત્ર ને માત્ર શારીરિક રીતે જ માપીએ છીએ. માનસિક રીતે ઉંમરને ક્યારેય જોતાં જ નથી. તમે છો એવડી તમારી માનસિક ઉંમર છે ?
જિંદગીનો અફસોસ એને જ થતો હોય છે જે જિંદગી જેવી રીતે જીવવી જોઈએ એવી રીતે જીવ્યો હોતો નથી. દરેક ઉંમરનો સંતોષ એ જ જિંદગી જીવવાની બેસ્ટ આર્ટ છે. કેટલા બુઢ્ઢા લોકો એવા હોય છે જેના મોઢે એવી વાત સાંભળવા મળે કે કોઈ અફસોસ નથી. હું મારી જિંદગી ભરપૂર જીવ્યો છું. ભૂલો કરી છે અને ભૂલો ભોગવી પણ છે, મજા કરી છે અને જિંદગી જીવી પણ છે, દુશ્મની કરી છે અને માર પણ ખાધો છે, દોસ્તી કરી છે અને જિંદાદિલી પણ બતાવી છે. બેફામ પ્રેમ કર્યો છે અને સાતમા આસમાને પણ વિહર્યા છીએ. કોઈ માણસ મોટી ઉંમરે એમ કેમ નથી કહેતો કે યાર, જીવવાની બહુ મજા આવી હોં. એટલા માટે એવું નથી કહેતો કારણ કે એ જીવ્યો જ હોતો નથી.
રોજ મરતો હોય એ જીવી કેવી રીતે શકે? રોજ નફરત કરતો હોય એને પ્રેમનો અહેસાસ ક્યારે થાય? આપણે આનંદ કરતાં આઘાતમાં વધુ જીવીએ છીએ. આપણે દાદ કરતાં ફરિયાદમાં વધુ જીવીએ છીએ. આપણે ખુશી કરતાં ઈર્ષ્યામાં વધુ જીવીએ છીએ. આપણે જે છે તેના કરતાં જે નથી તેને જ વધુ ઝંખીએ છીએ. આપણું હોય એને પ્રેમ નથી કરતાં અને આપણું ન હોય એના પ્રેમ માટે ફાંફાં મારીએ છીએ! મલ્ટિ ટાસ્કિંગમાં એકેય કામ પૂરું કરતા નથી. આખા જગતને પ્રેમ કરવાની વાતો કરીએ છીએ અને એક વ્યક્તિને પણ પ્રેમ કરી શકતા નથી. માણસ મનથી જ બધું નક્કી કરી લે છે. સમયને પણ મનથી જ માપી અને માની લે છે. હવે મારાથી કંઈ ન થાય, બધું કરી લીધું. કરી કરીને કેટલું કરવાનું છે? યાદ રાખો, તમે માત્ર કંઈ કરવા નથી આવ્યા પણ જીવવા આવ્યા છો.
જીવવું એ દરેક માણસના હાથની વાત છે. જો આપણે આપણી જિંદગીને આપણા હાથમાંથી છટકવા ન દઈએ તો? બધું જ કંટ્રોલ કરવા મથતો માણસ ક્યારે પોતાના કંટ્રોલમાંથી છૂટી ગયો એની એને સમજણ જ નથી પડતી. જે દરેક ક્ષણ જીવી જાણે છે એને ક્યારેય જિંદગીનો અફસોસ નથી થતો. માણસે ચેક કરતાં રહેવું જોઈએ કે મારી જિંદગી મારી પાસે, મારી સાથે અને મારામાં તો છેને? અફસોસ ન કરવાનો ઉત્તમ રસ્તો એ જ છે કે જિંદગીને છટકવા ન દો, એની સાથે જ રહો. દરેક ક્ષણ જીવી લો.
છેલ્લો સીન :
તમે પોતે જેવા છો તેવા જ બની રહો, તમે જેવા છો તેનાથી વધુ સારા બનવાની દિશામાં આ જ પહેલું પગથિયું છે. -અજ્ઞાત
(‘સંદેશ’, તા. 22 જુલાઇ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
No comments:
Post a Comment