લગભગ ત્રણેક દાયકા પહેલાંની ઘટના છે. સવારના નવેક વાગ્યા હતા. હું નાઇટ ડ્યૂટી પૂરી કરીને સવારે આઠ વાગ્યે તો ક્વાર્ટર પર હતો. ગઇકાલે રાત્રે ચૌદ ડિલિવરીઓ થઇ હતી. મેટરનિટી વોર્ડના તમામ ખાટલા તાજા જન્મેલા શિશુઓ તથા નવી નવી જનેતાઓથી ભરાયેલા હતા.હું રાઉન્ડ લઇ રહ્યો હતો, ત્યાં એક ખાટલા પાસે મારે અટકી જવું પડ્યું.
મેં પૂછ્યું, ‘કેમ છે? કંકુ, તારી તબિયત સારી?’ જવાબમાં કંકુ રડી પડી. કંકુ એ પેશન્ટ હતી, જેની પ્રસૂતિ મેં સૌથી છેલ્લે લગભગ સવારના સાતેક વાગ્યે કરાવી હતી. એ ફોરસેપ્સ ડિલિવરી હતી. કંકુ એકવડિયા બાંધાની અને ફિક્કી યુવતી હતી. એટલે પ્રસૂતિની આખીયે ઘટના એને વસમી પડી ગઇ હતી. ટાંકા પણ ખૂબ લેવા પડ્યા હતા.
‘કેમ રડે છે, બે’ન? પેટમાં દુ:ખે છે? કે ટાંકા?’ મારો સવાલ પૂરો થાય તે પહેલાં જ એક જુવાન વોર્ડમાં ધસી આવ્યો અને કંકુના પડખામાં એણે એક નવજાત શિશુ મૂકી દીધું. પછી મારી સામે જોઇને બે હાથ જોડીને કરગરી રહ્યો, ‘સાહેબ, એને કહો કે હવે રડે નહીં, એનો દીકરો હું ગમે તેમ કરીને લઇ આવ્યો છું.’
હું અવાક બનીને એનાં વાક્યોનો મર્મ સમજવાની મથામણ કરી રહ્યો. કંકુનો દીકરો તો છેલ્લા નવ મહિનાથી એના પેટમાં હતો. આજે સવારે ચીપિયો લગાડીને મેં એનો જન્મ કરાવ્યો હતો. સ્થૂળ અર્થમાં કહેવું હોય તો હું આ વાક્ય બોલી શકું તેમ હતો: ‘એનો દીકરો તો જેમ તેમ કરીને હું લઇ આવ્યો છું.’ એને બદલે આ જુવાન આવું શા માટે કહી રહ્યો હશે?
મેં જોયું કે કંકુ રડવાનું ભૂલીને એનાં લાડકવાયાને વળગી પડી હતી. કાનૂડો અને જશોદાનાં અસંખ્ય ચિત્રો મેં જોયેલા છે. વિશ્વવિખ્યાત કલાકૃતિ ગણાયેલું મેડોનાનું ચિત્ર પણ મેં જોયું છે, પણ મારા સ્ટેથોસ્કોપ ઉપર હાથ મૂકીને કહીશ કે પોતાના શામળા દીકરાના ગાલ પર ચૂમીઓ વરસાવતી કંકુનું દ્રશ્ય પેલાં બે વાત્સલ્યચિત્રો કરતાં રતિભાર પણ ઊણું ન હતું.
મારા ચહેરા પરની અવઢવ જોઇ ગયેલા પેલા જુવાને ખુલાસો રજુ કર્યો, ‘સાહેબ, મારી કંકુ સવારથી રડી રહી છે. અમારો છોકરો એક આયા નવરાવવા માટે લઇ ગઇ’તી. પછી એ છોકરાને પાછો આપતી જ નો’તી.’
‘કેમ?’
‘એ ચાલીસ રૂપિયા માગતી હતી.’
‘શેના?’
‘બક્ષિસના.’ જુવાન ઢીલો પડી ગયો, ‘સાહેબ, આયા કે’ કે બક્ષિસ તો આલવી જ પડે. અહીં એવો નિયમ છે. અમે ગરીબ માણસ. પાસે જો રૂપિયા હોત તો જનરલ હોસ્પિટલમાં સુવાવડ કરાવવા શું કામ આવત? પણ આયા માની જ નહીં ને! છેવટે ચાલીસ રૂપિયા વ્યાજે લઇને એને બાળ્યાં, ત્યારે એણે અમારો લાલો પાછો આપ્યો.’
હું તપી ગયો, ‘કોણ છે એ બદમાશ આયા? ક્યાં છે? મને બતાવ! આ હોસ્પિટલમાં નોકરી કરવા માટે એને પૂરો પગાર ચૂકવવામાં આવે છે. આ રીતે બક્ષિસ માગવાનો એને હક્ક જ નથી અને તમારી પાસેથી એણે ચાલીસ રૂપિયા પડાવ્યા એને તો બક્ષીસ નહીં પણ લૂંટ કહેવાય. તું મને લેખિતમાં ફરિયાદ આપ, હું મોટા સાહેબને વાત કરીને એ આયાને સજા કરાવીશ.’કંકુ જ પાણીમાં બેસી ગઇ, ‘જવા દો ને, સાહેબ! આવડી અમથી વાતમાં ક્યાં ફરિયાદ
કરવી? મને મારા દીકરાનું મોઢું જોવા મળી ગયું ને! બસ, વાત પૂરી થઇ ગઇ! આપણા દેશમાં તો આવું ચાલ્યા જ કરવાનું.’
હું આઘાત પામીને સાંભળી રહ્યો. આ વાત ૧૯૮૦ની છે. એ સમયના ચાલીસ રૂપિયા કોઇ મામૂલી રકમ ન હતી અને એક ગરીબ, અભણ, માત્ર અઢારેક વર્ષની કાચી વયની પ્રસૂતા એ વખતે પણ એક પાક્કી સમજ ધરાવતી હતી કે આ દેશમાં તો આવું ચાલ્યા કરે! મને સૌથી મોટો આઘાત એ વાતનો હતો કે આ પવિત્ર દેશમાં ભ્રષ્ટાચારના ભોરિંગે બાળકના જન્મ જેવા પવિત્ર અવસરને પણ બાકાત રાખ્યો ન હતો. આઝાદ ભારતનો એક ગરીબ નાગરિક રિશ્વતનું
ઝભલું અને મજબૂરીનો લંગોટ પહેરીને જન્મતું હતું.
***
તાજેતરની ઘટના છે. એક મિત્રનો એકનો એક પુત્ર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. કાયદા અનુસાર લાશનું પોસ્ટમોર્ટમ કરવું જ પડે. મિત્ર ભાંગી પડ્યા હતા. એમને ટેકો આપવા માટે હું બધાં કામ પડતાં મૂકીને એમની પાસે દોડી ગયો.એમણે રૂંધાતાં ગળે વિનંતી કરી, ‘ભાઇ, મારી સાથે રહેજો. આ પોસ્ટમોર્ટમ અને હોસ્પિટલની આંટીઘૂંટીમાં મને સમજ નહીં પડે.
હું સંમત થયો. મોટી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થતાં વાર લાગે એ સ્વાભાવિક છે. ત્યાં સુધી દીકરાનો મૃતદેહ ‘મોર્ગ’માં મૂકવામાં આવ્યો હતો. ડોક્ટર હોવાના નાતે મને મોર્ગના ઓરડામાં જવાની તક મળી ગઇ. વિશાળ ઓરડો, પૂરતા અજવાસનો અભાવ, હારબંધ સમાંતરે ગોઠવેલાં ટેબલો, દરેક ટેબલ પર પડેલો એક એક મૃતદેહ. ખૂબ જ બિહામણું દ્રશ્ય હતું. સ્ત્રીપુરુષ, બાળક, વૃદ્ધ,ગળે ફાંસો ખાધેલાની, ઝેર
પીધેલાની કે અન્ય કોઇ આકસ્મિક મોતને વરેલાની લાશો પડેલી હતી. નગ્ન, નિર્જીવ અને બરફ જેવી ઠંડી. જે ડોક્ટર ન હોય તે છળી મરે, મેં આવી લાશોની ચીરફાડ કરેલી હતી માટે ડરવાનો પ્રશ્ન ન હતો, પણ આટલા બધા મૃતદેહોને એક સામટા જોઇને એક પ્રકારનો તીવ્ર વૈરાગ્ય મને ઘેરી વળ્યો. જગતની માયા પરથી મન ઊઠી ગયું.
બપોરના એકાદ વાગ્યે પોસ્ટમોર્ટમ થયું. મૃતદેહને પાછો મડદાઘરમાં મૂકી દેવામાં આવ્યો. બીજી લખાણપટ્ટીની અને રિપોર્ટની વિધિમાં વધુ બે કલાક નીકળી ગયા. છેવટે નમતી બપોરે ચારેક વાગ્યે અમને કહેવામાં આવ્યું: ‘ડેડબોડી લઇ જઇ શકો છો.’અમે મરડાઘરમાં ગયા. ત્યાં એક જાડો, કાળો, મોટી ફાંદવાળો, ચોથા વર્ગનો કર્મચારી તૈયાર હતો, ‘સાહેબ, ચારસો રૂપિયા આપવા પડશે.’
‘શેના?’ મારો અવાજ ઊંચો થયો.
‘આ છોકરાને ચાર કલાક સાચવ્યો એના.’
‘પણ તમને આ કામ માટે સરકાર પગાર આપે છે.’ હું દલીલ આગળ ધપાવું તે પહેલાં જ મારા દુ:ખી આધેડ મિત્રે મને અટકાવી દીધો. ખિસ્સામાંથી પાકીટ કાઢીને સો સો રૂપિયાની ચાર નોટો પેલા ચાંડાલના હાથમાં મૂકી દીધી. કરુણ સ્વરમાં આટલું માંડ બોલ્યા, ‘ભાઇ, મારા દીકરાને ભગવાને ન સાચવ્યો, એને તું શું સાચવવાનો હતો?’
ચારસો રૂપિયામાં દીકરાની લાશ ખરીદીને બાપ ઘરે પાછો આવ્યો. હું આઘાતના મારથી જડ જેવો બની ગયો હતો. વર્ષો પહેલાં એક ફિલ્મ જોઇ હતી, ‘સારાંશ’ નામની. એમાં જુવાન દીકરાના અસ્થિ મેળવવા માટે સરકારી દફ્તરમાં ગયેલા એક બુઢ્ઢા બાપની પાસેથી રિશ્વત માગવામાં આવે છે એવું દ્રશ્ય હતું. કારકિર્દીની પ્રથમ જ ફિલ્મના આ દ્રશ્યમાં અનુપમ ખેરે હૃદયવિદારક અભિનય આપીને પૂરા દેશને હલાવી મૂક્યો હતો.
એ પછીનાં આટલાં બધાં વર્ષોમાં આપણે ક્યાં આવીને ઊભા છીએ! આજે પણ એક બાપ મરેલા દીકરાની પાછળ રિશ્વત ચૂકવી રહ્યો હતો. મારી હાજરીમાં. મારી આંખો સામે.
આઝાદ ભારતનો એક નાગરિક લાંચનું કફન ઓઢીને જગત છોડી રહ્યો હતો. સૌથી મોટો આઘાત મને ત્યારે લાગ્યો જ્યારે સ્મશાનમાં ચિતાને અગ્નિ આપ્યા પછી એ મિત્રે મારું દુ:ખ હળવું કરવાના આશયથી મારા ખભા પર હાથ મૂકીને આ વાક્ય કહ્યું, ‘આવડી અમથી વાતમાં આટલું દુ:ખી થવાનું ન હોય, ભાઇ! આ દેશમાં આવું તો ચાલ્યા કરવાનું!’
આ તો માત્ર બે જ ઘટનાઓની કથની છે અને માત્ર મારા ક્ષેત્રની વાત છે. બીજા કેટલાં ક્ષેત્રોમાં કેવડો મોટો ભ્રષ્ટાચાર ચાલતો હશે? આ દેશનો નાગરિક જન્મે છે ત્યારથી લાંચ આપવાનું શરૂ કરે છે અને મરે છે ત્યારે છેલ્લો ભીખનો ટુકડો ફેંકીને મરે છે.
આજે અણ્ણા હઝારે નામનો એક સાચો જણ ભ્રષ્ટાચાર હટાવવા માટેનો જંગ લડી રહ્યો છે, ત્યારે આપણે એક વાતનો સંકલ્પ કરવો જોઇએ. ‘ભ્રષ્ટાચાર માત્ર ઉપરના સ્તરે જ નથી, એ ચોથા વર્ગના કર્મચારીઓ સુધી ફેલાઇ ચૂક્યો છે. આખી ગંગા જ ગટર બની ગઇ છે. એને સ્વચ્છ કરવા માટે શરૂઆત આપણી જાતથી કરીએ.
(સત્યઘટના)

No comments:
Post a Comment