બલદેવપરી બ્લોગ: બસ બહુ થયું, ઇનફ ઇઝ ઇનફ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Tuesday, 23 October 2012

બસ બહુ થયું, ઇનફ ઇઝ ઇનફ



A
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
 
ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની, વર્ના હમ ઝમાનેભર કો સમઝાને કહાં જાતે,
'કતીલ' અપના મુકદ્દર ગમ સે બેગાના અગર હોતા, તો ફિર અપને પરાયે હમસે પહચાને કહાં જાતે.
-કતીલ શિફાઈ

દરેક વસ્તુ, દરેક વાત, દરેક ઘટના અને દરેક સંબંધની એક હદ હોય છે. આ હદની મર્યાદા અને મરતબો જળવાવો જોઈએ. માણસની સમજણ અને સંસ્કાર તેને સતત એવું કહેતા રહે છે કે બને ત્યાં સુધી કંઈ ન તોડવું, કંઈ ન છોડવું. છેડો ફાડવાનું સહેલું હોતું નથી, પણ જ્યારે કોઈ જ શક્યતાઓ બચી ન હોય ત્યારે માણસે કઠોર અને ન ગમતાં નિર્ણયો પણ કરવા પડે છે. યોગ્ય સમયે આવા નિર્ણયો મુલત્વી રાખીએ તો એ પણ પીડા આપે છે.
એક સ્વિમરે જિંદગી અને સ્વિમિંગ વિશે કહ્યું કે, આ બંને બહુ એકસરખા છે. પાણીનો એક નિયમ એ છે કે પાણી ગમે તેટલું ઊંડું હોય તોપણ તમે ડૂબી નથી જતા, સવાલ એટલો જ હોય છે કે તમને તરતાં આવડવું જોઈએ. કેવા વહેણમાં કેવી રીતે તરવું એ જ આવડત જિંદગીમાં પણ કામ લાગે છે કે કેવા સંજોગોમાં કેવી રીતે જીવવું. જ્યારે દરિયામાં ભંવર સર્જાય ત્યારે ગમે તેવો તરવૈયો પણ ગોથું ખાઈ જાય છે. આ સમયે બેસ્ટ વિકલ્પ એ જ હોય છે કે બહાર નીકળી જવું. માણસને પણ જિંદગીમાં એટલી ખબર હોવી જોઈએ કે ક્યાં સ્ટોપ કરવું અને ક્યાંથી વિડ્રો થવું. યોગ્ય સમયે અંત આણવો એ પણ ઓછું ઇમ્પોર્ટન્ટ નથી. શક્યતાઓ ઉપર પૂર્ણવિરામ મુકાય ત્યારે નવો પ્રારંભ જ એકમાત્ર રસ્તો હોય છે. ધરાર કંઈ પણ ન કરવું, કારણ કે મન મારીને કરાતું કામ શ્રમ સિવાય કંઈ જ નથી અને જબરજસ્તીથી નિભાવાતાં સંબંધોમાં પીડા સિવાય કંઈ જ મળતું નથી.
એવું કહેવાય છે કે અડધે રસ્તેથી કંઈ પણ અધૂરું ન છોડવું, કારણ કે પાછા વળીને પણ તમારે અડધો રસ્તો કાપવાનો જ હોય છે. વાત હિંમત ન હારવાની હોય ત્યારે આ અડધા રસ્તાવાળી વાત બહુ સાચી છે. શક્ય હોય ત્યાં સુધી પાછા વળવું કોઈને પણ ગમતું નથી. છતાં જો એવું જ લાગે કે હવે એક ડગલું પણ આગળ જઈ શકાય તેમ નથી ત્યારે પાછા વળી જવામાં પણ કંઈ ખોટું નથી. ફના પણ ત્યારે જ થવું જોઈએ જ્યારે તમારી ફનાગીરીની કોઈને કદર હોય. બધું જ કરી છૂટો જો એનું કોઈ તાત્પર્ય હોય, જેના માટે ખતમ થવા તૈયાર હોઈએ એને જ જો કોઈ ખબર કે કોઈ અસર ન હોય તો આપણા પ્રયાસો મૂર્ખામીમાં જ ખપે છે.
જિંદગીમાં ઘણા એવા સંજોગો આવે છે જ્યારે આપણે 'ઈસ પાર યા ઉસ પાર ' નો નિર્ણય કરવો પડે છે. આવા સમયે આપણો નિર્ણય આપણી બાકીની જિંદગીનો ફેંસલો કરતો હોય છે. શાંતિનો નિર્ણય કે સમાધાનનો નિર્ણય જેટલો અઘરો હોય છે તેનાથી અનેકગણો અઘરો નિર્ણય યુદ્ધનો હોય છે. તમે ઇતિહાસ તપાસી જુઓ, યુદ્ધનો નિર્ણય લેનાર દરેક વ્યક્તિએ એવું જ કહ્યું છે કે અમારા માટે યુદ્ધનો નિર્ણય લેવો અઘરો હતો. યોગ્ય સમયે યુદ્ધનો પણ નિર્ણય ન લઈએ તો એ કાયરતામાં ખપી જતો હોય છે. ઘણાં સંજોગો જ એવા હોય છે કે સમાધાન કરતાં આપણને હાર વધુ વાજબી લાગે છે. ઘૂંટણિયા ટેકવી દેનારાઓએ પછી ગુલામીમાં જ જીવવું પડે છે.
બસ બહુ થયું. ઇનફ ઈઝ ઇનફ. એવું લાગે ત્યારે પણ દિલની વાત સાંભળવી જોઈએ. આપણી સમાજરચના અને સિસ્ટમ જ એવી છે કે લોકો આપણને સતત સમાધાન અને સહેલો રસ્તો પકડવાની જ સલાહ આપે. આવી સલાહ આપનારાઓ આપણું ભલું ઇચ્છતા હોય એવું શક્ય છે, પણ આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે શું કરવું છે? જો આપણે નક્કી કરી લઈએ કે આમ જ કરવું છે તો પછી કોઈની સલાહ લેવાનું પણ ટાળવું જોઈએ. મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકાથી પાછા ફરીને સત્યાગ્રહ કરવા વિશે કોઈની સલાહ લીધી હોત તો તેના વડીલોએ પણ કદાચ એવું જ કહ્યું હોત કે સરસ મજાની વકીલાત ચાલે છે સારું કમાય છે, આ બધું છોડીને સત્યાગ્રહ કરવાથી શું મળવાનું છે? આવું કરવા માટે તને ભણાવ્યો હતો? વિદેશ મોકલ્યો હતો? ગાંધીજીએ ક્યારેય કોઈની સલાહ લીધી ન હતી કે હું આવું કરું કે નહીં?
અમુક તબક્કે માણસે પોતે જ એવો નિર્ણય કરવો પડે છે કે બસ હવે આમ જ કરવું છે. સવાલ કરિયરનો હોય કે જિંદગીનો, સુખનો હોય કે સંબંધનો, પ્રેમનો હોય કે નફરતનો, અમુક સમયે અમુક નિર્ણયો લેવાના જ હોય છે. ગમતું કરવા માટેની સૌથી પહેલી શરત એ જ હોય છે કે ન ગમતું ક્યારેય ન કરવું. આવા સમયે ધ્યાન એટલું જ રાખવાનું કે આંધળુકિયાં ન કરીએ. આપણા વિશેની સ્પષ્ટતા આપણને હોવી જ જોઈએ. બધું જ વિચારીને એક વાર નિર્ણય કરી લો અને પછી એ નિર્ણય વિશે ક્યારેય કોઈ અફસોસ ન કરો, નિર્ણય ખોટો પડે તો પણ. બધા જ નિર્ણયો સાચા પડે એવું જરૂરી નથી, છતાં, આપણાં દરેક નિર્ણયનું આપણને ગૌરવ હોવું જોઈએ. ઘણી વખત નિર્ણય ન લેવા કરતાં ખોટો નિર્ણય પણ સારો હોય છે, કારણ કે આ નિર્ણયમાં સાચા પડવાનો એક વિકલ્પ પણ જીવતો હોય છે. ઘણી વખત માણસનો એક નિર્ણય ખોટો પડે પછી એ બીજો નિર્ણય લેતા ડરે છે, જરૂરી નથી કે બધા નિર્ણયો ખોટા પડે. દરેક બાબતે માણસે વિચાર કરવો જોઈએ પણ એટલો લાંબો વિચાર પણ ન કરવો કે કોઈ નિર્ણય ઉપર જ ન આવી શકાય.
દોસ્તી, પ્રેમ કે કોઈ પણ સંબંધ તોડવાનો નિર્ણય જિંદગીમાં સૌથી અઘરો હોય છે. સંબંધો સુખ આપે છે અને જિંદગી જીવવાનું બળ આપે છે. એ વાત સાચી પણ સંબંધ જો સાચો ન હોય તો એ સુખને બદલે દુઃખ જ આપે છે. પ્રેમને બદલે પીડા જ આપે છે, સાંત્વનાને બદલે વેદના જ આપે છે. સંબંધ માટે પણ એ જરૂરી હોય કે આપણે સમજીએ કે કયો સંબંધ સાચો છે અને કયો ખોટો છે. જે સંબંધમાં સત્ત્વ ના હોય એને પકડી રાખવાથી પણ કંઈ મળવાનું નથી. એ વાત બરાબર છે કે પ્રેમ કે સંબંધમાં કોઈ અપેક્ષા ન રાખો પણ એટલિસ્ટ આપણા સંબંધની કદર અને ગૌરવ તો હોવાં જ જોઈએ. સંબંધ સાચો હોય તો તમારી જાતને ઘસી નાખો પણ જાતને ઘસતાં પહેલાં એ ચકાસી લો કે સંબંધ સાચો છે કે ખોટો?
સંબંધોની બાબતમાં મૂર્ખ ઠરવું સૌથી વધુ જોખમી છે, કારણ કે તેની અસર સીધી દિલને થાય છે. આપણે કોઈના માટે સતત સળગતા રહીએ અને સામેથી ક્યારેય એકેય તણખો પણ ન ઝરે તો યાદ રાખવાનું કે આપણું આવું સળગવું સરવાળે રાખ જ થવાનું છે. હૂંફ માટે બધું કરો પણ જ્યારે તાપ લાગવા માંડે ત્યારે ચેતી જાવ.
છેલ્લો સીનઃ
જેનો ઉદ્દેશ ઊંચો છે, તેણે આરામપ્રિય જિંદગી અને દરેક વ્યક્તિને રાજી રાખવાની વૃત્તિથી દૂર રહેવું જોઈએ. -ઇમર્સન

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE