ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગીની સાંજ ઢળતી જાય છે, મીણબત્તી રોજ બળતી જાય છે,
'બાલુ' જીવનને સુધારો જેટલું, એટલી ભૂલો નીકળતી જાય છે.
- બાલુભાઈ પટેલ
આપણામાંથી કેટલા લોકો પોતાની જિંદગી હન્ડ્રેડ પર્સન્ટ જીવતાં હોય છે? જે લોકો પોતાની જિંદગી પૂરેપૂરી એન્જોય કરે છે એને ક્યારેય અધૂરપ લાગતી નથી. જોકે, આવા લોકો કાયમ લઘુમતીમાં જ હોય છે. જિંદગીને સમજવી એક વાત છે અને જિંદગીને જીવવી એ બીજી વાત છે. જિંદગી વિશે જેને સમજ હોય એ પણ જિંદગીને પૂરેપૂરી જીવતાં હોતા નથી. બધાને ખબર છે કે આમ હોવું જોઈએ, આવી રીતે જીવવું જોઈએ, સંબંધોમાં સત્ય, અસત્ય અને અર્ધસત્યની સમજ પણ આપણને હોય છે. સક્સેસના દરેક ફંડા આપણને મોઢે હોય છે પણ આપણે એનો અમલ કરી શકતા નથી. દરેકને એવું જ લાગે છે કે ક્યાંક કશુંક ખૂટે છે. સમથિંગ ઇઝ મિસિંગ. આવું લાગવાનું એક કારણ એ છે કે આપણે ક્યાંય હન્ડ્રેડ પર્સન્ટ હોતા નથી. અધૂરા હોઈએ તો અધૂરપ જ લાગવાની છે.
અરે, આપણે તો આનંદ અને મજામાં પણ સો ટકા હોતા નથી. આપણા હાસ્યની પાછળ પણ એક ઉદાસી હોય છે. હાથ મેળવતી વખતે ઉષ્મા હોતી નથી અને હગ કરતી વખતે પણ દિલ ક્યાંક બીજે હોય છે. મનને મરકટ સાથે સરખાવાયું છે. કૂદાકૂદ કરતું મન ક્યાંય સ્થિર થતું નથી. માનસિક શાંતિ મેળવવા યોગ કરનારાઓની સંખ્યા વધતી જાય છે પણ યોગ કરતી વખતે કેટલા લોકો પોતાની સાથે હોય છે?
આપણે જ્યાં હાજર હોઈએ છીએ ત્યાં આપણી કમ્પ્લીટ ઉપસ્થિતિ હોતી જ નથી. આપણી સામે કોઈ હોય છે, આપણી નજર બીજે ક્યાંક હોય છે. આપણા કાન જુદી જ જગ્યાએ મંડાયેલા હોય છે અને આપણા વિચારો વળી સાવ અલગ જગ્યાએ જ હોય છે. એ રીતે જોઈએ તો આપણે જ ટુકડે ટુકડે વહેંચાયેલા હોઈએ છીએ. તમે જ્યાં હો ત્યાં જો સંપૂર્ણ હો તો એ યોગ જ છે. યોગ એટલે માણસની દરેક ઇન્દ્રિય અને દરેક શક્તિનું એક જ સ્થળે વહેવું અને કેન્દ્રિત થવું. ઘણા કલાકારો પોતાના કામમાં એવા ખોવાઈ ગયા હોય છે કે આપણે એવું બોલી દઈએ છીએ કે એ તો જાણે યોગ કરે છે. યોગ માત્ર સંગીત કે મુર્તિના ઘડતરમાં જ જરૂરી નથી, રસોઈ બનાવતી વખતે કે ડ્રાઈવિંગ કરતી વખતે પણ જો તમે તમારી સાથે હો તો એ યોગ જ છે. અને તમે જે કંઈ કરતાં હો એ કામ પણ કલા જ બની જાય છે.
માણસ હવે એટલો બધો ઘેરાઈ ગયો છે કે પોતાને જ મળતો નથી. પોતાને જ શોધતો માણસ પોતાને જ મળતો નથી. એક માણસે સવારે કહ્યું કે આજે મારે સૌથી પહેલાં મંદિરે દર્શન કરવા જવું છે. પછી લગ્નના એક રિસેપ્શનમાં જવું છે. એક સંબંધીની તબિયત જોવા દવાખાને જવું છે. બપોરે બિઝનેસ રિલેટેડ એક મિટિંગ છે અને સાંજે એક બેસણામાં જવાનું છે. આવું બધું જ આપણે કરવું પડતું હોય છે પણ જ્યારે જે કરતા હોઈએ ત્યારે ત્યાં હોઈએ છીએ ખરાં? શરીર મંદિરમાં હોય ત્યારે મન મિટિંગમાં હોય છે. હાજરી લગ્નમાં હોય ત્યારે વિચારો દવાખાને જવાના આવતાં હોય છે. આપણે કેટલું બધું માત્ર કરવા ખાતર જ કરીએ છીએ? ડબલ સ્ટાન્ડર્ડ, ડબલ પર્સનાલિટી અને ડબલ માઇન્ડ આપણને ક્યારેય સિંગલ રહેવા જ નથી દેતું.
આપણી ટકાવારી ધીમે ધીમે ઘટતી જાય છે. આપણી ગેરહાજરી ધીમે ધીમે વધતી જાય છે. એક મનોચિકિત્સકે સરસ વાત કરી કે આજનો માણસ વિખેરાઈ ગયો છે. કોઈ પચાસ ટકા જીવે છે તો કોઈ પચીસ ટકા જ જીવે છે અને ઘણા લોકો તો માઇનસમાં આવી જાય છે અને આ માઇનસ મેન્ટલ સ્ટેટસ એ જ ડિપ્રેશન છે. રસ્તા પર ચાલતા જતાં લોકોને જોજો, આપણને ખબર જ ન પડે એ ક્યાં છે. ઘણા લોકો બબડતાં હોય છે, એ લોકો ક્યાંક બીજે જ હોય છે. ઘણું બધું કરવામાં સરવાળે આપણે કંઈ જ કરતા હોતા નથી.
દરેક માણસના મોઢે એક વાત છે કે ક્યાંય શાંતિ નથી. માણસ ક્યારેય વિચારતો નથી કે શાંતિ તો હોય જ છે, આપણે તેની નજીક નથી હોતા. એક યુવાનને ઝડપથી કામે પહોંચવું હતું. એ ફટાફટ તૈયાર થયો. તેની માએ પાણીનો ગ્લાસ આપ્યો. ચાલતાં ચાલતાં જ એણે પાણી પી લીધું. મા એટલું જ બોલી કે દીકરા પાણી તો શાંતિથી પી લે. તમે વિચાર કર્યો છે કે તમે દિવસમાં કેટલી વખત શાંતિથી પાણી પીવો છો? તૃપ્ત થવાનો અહેસાસ તમે ક્યારેય માણ્યો છે? આપણે તો જમવાના સ્વાદને પણ પૂરો માણતાં નથી. મોઢું મશીનની જેમ ચાલતું રહે છે અને આપણું ધ્યાન ટીવીના પડદા પર હોય છે.
આપણે બસ બધું ફટાફટ પતાવવું હોય છે. કશાયમાં ખોવાઈ જતાં આપણને આવડતું જ નથી. એક ભાઈના ઘરે બાળકનો જન્મ થયો. થોડું મોટું થયું ત્યારે એ રમાડતો હતો. તેનો એક મિત્ર આવ્યો. બાળકને રમાડતી વખતે એ કંઈક વિચારતો હતો. મિત્રએ પૂછયું કે શું વિચારે છે? તેણે કહ્યું કે આ બાળક કેવું નિર્દોષ છે. હન્ડ્રેડ પર્સન્ટ પોતાની સાથે છે. હવે આપણે એને દુનિયાના દાવપેચ શીખવશું, સંબંધો કેમ જાળવવા અને સફળતા કેમ મેળવવી એની ટ્રિક્સ સમજાવીશું. આમ કરવાનું અને આમ નહીં કરવાનું, આ સાચું છે અને આ ખોટું છે. આવું બધું શીખવીને ધીમે ધીમે એને પણ આપણાં જેવું બનાવી દેશું. કદાચ એ બોલી શકતું હોત તો આપણને શીખવાડત કે ડેડી તમે જીવો છો એમ નહીં પણ હું જીવું છું એમ જિવાય. પણ એ એટલું સમજણું થશે એ પહેલાં આપણે જ તેને જીવવાનું ભુલાવી દીધું હશે. એની કમનસીબી છે કે એ આપણા વગર ઉછરી શકતું નથી. પણ જો એ પોતાની રીતે જ ઉછરી શકતું હોત તો કદાચ આપણાથી જુદું હોત. આપણે બધા એક સરખા એટલા માટે જ છીએ, કારણ કે આપણે એક જ ઘરેડમાં જીવીએ છીએ. જરાક જુદી રીતે જીવતાં માણસને આપણે શનકી કે ક્રેઝી કહીએ છીએ.
જિંદગીની મૌલિકતા જ વિસરાઈ ગઈ છે એટલે આપણને કશું જ ક્રિએટિવ નથી લાગતું. બધું જ મોનોટોનસ અને કંટાળાજનક લાગે છે. રાતે આવતાં સપનાં પણ હવે તો મૌલિક નથી રહ્યાં. સાયન્સ કહે છે કે સપનાં બધા જ માણસને આવે છે પણ કોઈ એ નથી વિચારતું કે આપણને સપનાં કેવાં આવે છે? માણસનાં સપનાં પણ હવે બિહામણાં થઈ ગયાં છે. સપનાંમાં પણ આપણે ભાગતા જ હોઈએ છીએ. સપનાંમાં આપણે ટ્રેન કે બસ ચૂકી જતા હોઈએ છીએ. પરીક્ષાઓ જ આપતાં હોઈએ છીએ અને કોઈ પાછળ પડી ગયું છે અને મને મારી નાખશે એ ભયે જ ભાગતાં રહીએ છીએ. તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમને સપનાં કેવાં આવે છે? તમને જો સારાં સપનાં ન આવતાં હોય તો તમારી જાગતી અવસ્થાની ચિંતા કરજો, કારણ કે સપનાં એ તો તમારા દિવસની રાતે પડતી પ્રતિકૃતિ છે. અજંપો લઈને સૂશો તો સપનામાં સન્નાટો જ મળશે.
તમે વિચારજો કે તમે તમારી સાથે કેટલા ટકા હો છો? ટકાવારી ઘટતી જશે તો માઇનસમાં જવાનો ખતરો છે. તમે જો તમારી સાથે નહીં હો તો સુખ અને સફળતા પણ સો ટકા મહેસૂસ નહીં કરી શકો. જ્યાં છો ત્યાં રહી શકો તો તમે માનજો કે તમે યોગ્ય જગ્યાએ છો પછી એ જગ્યા ભલે ગમે તે હોય.
દરેક માણસના મોઢે એક વાત છે કે ક્યાંય શાંતિ નથી. માણસ ક્યારેય વિચારતો નથી કે શાંતિ તો હોય જ છે, આપણે તેની નજીક નથી હોતા. એક યુવાનને ઝડપથી કામે પહોંચવું હતું. એ ફટાફટ તૈયાર થયો. તેની માએ પાણીનો ગ્લાસ આપ્યો. ચાલતાં ચાલતાં જ એણે પાણી પી લીધું. મા એટલું જ બોલી કે દીકરા, પાણી તો શાંતિથી પી લે. તમે વિચાર કર્યો છે કે તમે દિવસમાં કેટલી વખત શાંતિથી પાણી પીવો છો? તૃપ્ત થવાનો અહેસાસ તમે ક્યારેય માણ્યો છે?
છેલ્લો સીન
આપણી સૌથી મોટી કરુણતા એ છે કે એકલાં હોઈએ ત્યારે પણ આપણે આપણી સાથે નથી હોતા.
(‘સંદેશ’. તા. 25મી નવેમ્બર,2012. રવિવાર. સંસ્કાર પૂ્ર્તિ. ‘ચિંતનની પળે’ કોલમ)
No comments:
Post a Comment