ક્યા જાને ક્યા ગુઝર ગઈ જાને ગરીબ પર, આંસુ ભી કુછ ટપક પડે ઇક દિન હંસી કે સાથ,
વો બેદિલી કે સાથ હો યા ખુશદિલી કે સાથ, અબ તક તો ચલ રહે હૈં હમ ઝિન્દગી કે સાથ.
-મહેવી સિદ્દીકી
દરેક માણસ સફળ થવા માટે આધાર, ઉદાહરણ, પ્રેરણા અને પ્રોત્સાહન શોધતાં હોય છે. દરેક માણસની નજર સામે એક ચહેરો હોય છે, જે એના આઈડિયલનો હોય છે. દરેક માણસના મનમાં એને જ્યાં પહોંચવું હોય એનો માઇલસ્ટોન હોય છે. ઘણી વખત આપણને કોઈ આંગળી પકડીને આગળ લઈ જનારું મળતું હોય છે, તો ઘણી વખત કોઈ આંગળી ચીંધીને આપણને મંઝિલ તરફનો માર્ગ બતાવતું હોય છે. જોકે, અંતે તો આપણે જ આપણી દિશા પકડવાની હોય છે. જે હંમેશાં કોઈના દોરવાયા દોરવાઈ જતાં હોય એને ખોરવાઈ કે ખોટકાઈ જવાનું જોખમ રહે છે.
નાના હોઈએ ત્યારે મા-બાપ આંગળી પકડીને ચાલતાં શીખવે છે. પણ એ કાયમ આંગળી પકડી રાખતાં નથી. પગ ખોડવાનું શીખી જઈએ એટલે આંગળી છોડી દે છે. એની પાછળ આડકતરો ઇશારો એવો જ હોય છે કે હવે તમે તમારી મેળે ચાલો. સફળતાનું પણ એવું જ છે. છેલ્લે તો આપણે જ ચાલવાનું હોય છે. હા, પ્રેરણા અને ઉદાહરણ જરૂરી છે પણ એ આપણે નક્કી કરેલા માર્ગે ચાલવા માટે હોવા જોઈએ. ઘણી વખત આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ કે આપણે કોઈની ડિટ્ટો કોપી જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણી ઓરિજિનાલિટી જ ખોઈ બેસીએ છીએ. કાર્બન કોપી ક્યારેય ઓરિજિનલ હોતી નથી.
દરેકે પોતાની મંઝિલ પોતે જ નક્કી કરવી જોઈએ. તમારું સત્ય અને તમારી સફળતા તમારી જ હોવી જોઈએ. દુનિયામાં જેટલા મહાન લોકો થયા છે તેની જિંદગી જોઈ લો, એ બધાએ પોતાના નિર્ણયો માટે ક્યારેય બીજાના નિર્ણયો પર આધાર રાખ્યો નથી. પ્રેરણાને જો સમજીએ નહીં તો ઘણી વખત એ આપણને આડા માર્ગે લઈ જાય છે. તમારે કોઈના જેવા બનવાનું નથી, તમારે તમે છો એ જ બનવાનું છે. કોઈએ સફળ થવા માટે કેટલી મહેનત કરી એ ચોક્કસ નજર સમક્ષ રાખો પણ તમારી મંઝિલ તમે જ નક્કી કરો.
તમે બીજા જેવા બનવા જશો તો કદાચ બની જશો પણ તમારી નોંધ પછી તમે જેના જેવા છો તેના આધારે જ થશે. તમે તમારી આગવી ઓળખ ઊભી નહીં કરી શકો. સૂરજ દરરોજ સવારે ઊગે છે. આપણને ખબર છે કે સૂરજ કેવો છે એટલે આપણે દરરોજ તેની સામે જોતા નથી કે આજે સૂરજ કેવો ઉગ્યો છે. પણ બે ઘડી કલ્પના કરો કે સૂરજ દરરોજ અલગ અલગ રંગ ધારણ કરીને ઊગતો હોત તો? તો લોકો દરરોજ એ જોત કે આજે સૂરજ કયા રંગનો છે. આજે સૂર્યનાં કિરણો લાલ છે કે ગુલાબી? ચંદ્રનો આકાર રોજ બદલાય છે. પૂનમનો ચાંદ એટલે જ આપણને આકર્ષે છે. પૂનમનો પૂર્ણ ચાંદ આકાશમાં હોય ત્યારે ચોક્કસ આપણું ધ્યાન જાય છે.
બીજી એક કલ્પના કરો. દુનિયાનાં બધાં જ ફૂલો એકસરખાં હોત તો? બગીચાનું કોઈ મહત્ત્વ રહ્યું હોત? ગુલાબ ગુલાબ છે એટેલે જ તેનું મહત્વ છે. મોગરો મોગરો છે એટલે જ એ ગુલાબથી જુદો છે. તમે તમે જ છો અને તમે બધાથી જુદા છો. એક્ટિંગ સ્કૂલના ટીચરે તેના વિદ્યાર્થીઓને કહ્યું કે યાદ રાખો, તમારે અમિતાભ બનવાનું નથી. અમિતાભ બનવા જશો તો અસરાની પણ નહીં બની શકો. અમિતાભે રાજેશ ખન્નાના સ્થાને પહોંચવા રાજેશ ખન્ના જેટલી અને કદાચ તેનાથી વધુ મહેનત કરી હશે પણ અમિતાભે ક્યારેય રાજેશ ખન્ના જેવી જ એક્ટિંગ કરી નથી. કિશોર કુમારે જ્યારે ગાવાનું શરૂ કર્યું ત્યારે એ અદ્દલોઅદ્દલ સાયગલ જેવો સ્વર કાઢતાં હતા. એક ઉસ્તાદ તેના ઘરે આવ્યા. કિશોરકુમારના ફાધર ઉસ્તાદને કિશોરકુમાર પાસે લઈ ગયા અને કહ્યું કે જુઓ મારો દીકરો એકદમ સાયગલ જેવું જ ગાય છે. ઉસ્તાદે કિશોરકુમારને સાંભળીને કહ્યું કે એ વાતમાં બે મત નથી કે તું પરફેક્ટલી સાયગલ જેવું જ ગાઈ શકે છે પણ એક વસ્તુ યાદ રાખજે કે તું એના જેવું જ ગાતો રહીશ તો તારી ઓળખ ક્યારેય બનવાની નથી. તારે સાયગલ નહીં પણ કિશોરકુમાર બનવાનું છે. એ પછી કિશોરકુમારે ગાવાની પોતાની સ્ટાઈલ વિકસાવી અને દુનિયાને એક જુદા જ કિશોરકુમાર મળ્યા.
દરેક વ્યક્તિને કુદરતે કદાચ એટલે જ જુદી બનાવી છે કે દરેકે જુદી રીતે એટલે કે પોતાની રીતે જીવવાનું હોય છે. તમારા વિચારોનું સર્જન તમે પોતે કરો. તમારા સત્યનું નિર્માણ તમે જ કરો. કેટલાંક સત્ય યુનિવર્સલ હોય છે અને કેટલાંક સત્ય અંગત હોય છે. મારું સત્ય તમારા કરતાં જુદું હોઈ શકે અને તમારું સત્ય બધા કરતાં જુદું જ છે. આ સત્ય એટલે પોતપોતાની માન્યતા. મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝનું અંતિમ ધ્યેય એક જ એટલે કે આઝાદી જ હતું પણ આઝાદી મેળવવા માટેની માન્યતા બંનેની જુદી જુદી હતી. કોની માન્યતા સાચી અને કોની માન્યતા ખોટી હતી, કોનો રસ્તો સારો હતો અને કોનો રસ્તો ખરાબ હતો એ એની જગ્યાએ છે પણ બંને પોતપોતાની માન્યતા પ્રતિ દૃઢ હતા એ મહત્ત્વનું હતું. સુભાષચંદ્ર બોઝ એટલે જ સુભાષચંદ્ર બોઝ છે, કારણ કે એણે ક્યારેય ગાંધીજી બનવાનો પ્રયત્ન કર્યો ન હતો.
દરેક માણસમાં એક એવી ખૂબી હોય છે જે બીજા કોઈમાં હોતી નથી, તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે બીજાની ખૂબીને જ નજર સમક્ષ રાખીએ છીએ. કોણે શું કર્યું? કેવી રીતે કર્યું? એ આપણે જોઈએ છીએ અને પછી આપણે તેનું જ અનુસરણ કરીએ છીએ. વિચારો અને ક્રિએટિવિટીનું પણ એવું જ છે. તમે જો બીજા જેવા જ રસ્તા અપનાવશો તો તમારો રસ્તો ક્યારેય બનાવી નહીં શકો. તમારી કલ્પના અને તમારા સપનાને તમારી રીતે જ વિકસવા અને વિસ્તરવા દો.
દરિયાની રેતી તમે જોજો. દરિયો ખડક સાથે અથડાતો રહે છે અને તેમાંથી રેતીનું સર્જન થાય છે પણ રેતી ગમે એટલી વખત પછડાશે તોપણ ખડક નહીં બની શકે. ઘણાં લોકો પોતાને જ અંડરએસ્ટિમેટ કરીને બીજા જેવા જ માની લે છે. ઘણી વખત માણસને એવા પણ વિચાર આવે છે કે મારી હેસિયત શું છે? આપણે ક્યાં કંઈ કરી શકીએ એમ છીએ? આવા વિચાર આવતા હોય તો માનજો કે તમે ખોટું વિચારી રહ્યા છો. તમે બેસ્ટ છો અને તમે જે કરો છો એ બેસ્ટ રીતે કરો તો તમે એકસ્ટ્રા ઓડિનરી જ છો. તમે વિચારો કે તમે જે કરો છો એમાં બેસ્ટ છો? નથી તો કેવી રીતે બની શકાય એ વિચારો. દરેક મહાનતા સાર્વત્રિક નથી હોતી, મોટાભાગની મહાનતા વ્યક્તિગત હોય છે. કામ ભલે નાનું હોય પણ મારા જેવું કોઈ ન કરી શકે. બગીચો નાનો હોય કે મોટો એનું મહત્ત્વ હોતું નથી, ફૂલ કેવાં ખીલે છે એ જ મહત્ત્વનું હોય છે. દરેકનું પોતાનું એક સામ્રાજ્ય હોય છે, એટલિસ્ટ પોતાના રાજ્યના તો પોતે રાજા હોવા જ જોઈએ. દરેકને પોતાનું પ્રાઉડ હોવું જ જોઈએ અને એ ત્યારે જ હોય જ્યારે તમે બીજાથી જુદા એટલે કે તમારા જેવા જ હો. બીજા જે કરે છે એ કરવા દો, તમારે જે કરવું છે અને તમે જે કરો છો એ બેસ્ટ કરો. નવું વર્ષ શરૂ થઈ ગયું છે, નક્કી કરો કે હું મારા જેવો જ બનીશ. તમે અનોખા છો. બસ તમને તમારી સાચી ઓળખ હોવી જોઈએ.
છેલ્લો સીન :
સમાધાન કરવા તૈયાર જ હોય એવા લોકો ક્યારેય બળવો કરી શકતા નથી. -કેમાલ આતાતુર્ક
(‘સંદેશ’ તા. 18મી નવેમ્બર,2012. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
No comments:
Post a Comment