બલદેવપરી બ્લોગ: ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ, હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Sunday, 19 May 2013

ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ, હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો


ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ, હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો 

રોગો અને તેના ઉપચારો ને લગતો આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં શું હોય છે તેનાથી ભાગ્યેજ કોઈ અજાણ્યું હશે.

કોઈવ્યક્તિ માંદો પડે એટલે શું થાય?

તે ડોક્ટર પાસે જાય,

ડૉક્ટર દવાઓ લખી આપે, કેટલીક વાર દવા એવી હોય કે તે ડૉક્ટરની નજીકના મેડિકલ સ્ટોરમાં જ મળે. ડૉક્ટરને અમુક ટકા કમીશન મળે.

દરદી સાજો થયો તો વાત પૂરી. ન થયો તો ડૉક્ટર દવા બદલે અથવા અમુક ટેસ્ટ કરાવે. ક્યા ટેસ્ટ જરુરી છે કે નહીં તે વાત જવા દો. કેટલીક વાર ડોક્ટર લેબોરેટરીની પણ ભલામણ કરે.

દરદી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે. ડોક્ટરનું કમીશન ચડે.

ડૉક્ટર ટેસ્ટ રીપોર્ટ જુએ. અને રોગને પારખે અને દવાઓનો નવો કોર્સ લખી આપે. દરદી હવે આ રોગની દવાઓનો કોર્સ કરે. જે કદાચ એક સપ્તાહ થી ત્રણ માસ સુધી ચાલે.

જો દરદી સાજો થઈ ગયો તો દરદીએ ડોક્ટર અને ઈશ્વરનો ઉપકાર ગણવાનો.

જો તમે ઉચ્ચ વર્ગના કે ઉચ્ચ મધ્યમ વર્ગના હો કે અતિ માલેતુજાર હો તો આ ચિકિત્સા પ્રણાલી બહુ નડશે નહીં. કારણકે તમે ખમતીધર છો અને મેડીક્લેમ પણ હશે. જો ડોક્ટર જાણીતો હશે તો તમને થોડા વધુ ખર્ચા કરવાશે પણ તમને સાજા કરી દેશે. પણ જો તમે અજાણ્યા ડોક્ટર પાસે જશો તો જોખમ મોટું તો હોઈ શકે છે. તમે સારી ભલામણ લઈને જાવ તો જરા જોખમ ઓછું. પણ તમે ઈશ્વર પર ભરોસો રાખશો.

આ બધી વાતો જનરલ ફીઝીસીયનના સ્ટેજ સુધીની થઈ. જો રોગ મોટો છે અને બહુ વખત સુધી ગણકાર્યો નહીં અને પછી સ્પે્શીયાલીસ્ટ પાસે ગયા એટલે તમારે છ માસથી શરુ કરી પાંચ વર્ષ સુધીનો દવાના ટેસ્ટ રીપોર્ટો સાથેનો કોર્સ તો તમારે લમણે લખાઈ ગયો એ સમજી લેવાનું. એમાં પણ જો તમારે રુગ્ણાલય (હોસ્પીટલ)માં જવાનું થયું તો પચાસ હજાર થી શરુ કરી પાંચ લાખ જ નહીં પણ આકાશ એ સીમા છે.

સરકારી હોસ્પીટલોમાં સ્થિતિ એટલી હદે લૂંટી લેવાની નથી. પણ ડોક્ટર, નર્સ અને મહેતરાણીઓ પોતું કરવાવાળીઓ સ્ટોર કીપરો એ બધાની સેવા લેવા માટે તમારે આંટા ફેરા કરવાના. જોકે આ સ્થિતિ કેટલેક અંશે ખાનગી એવા મહા-ઋગ્ણાલયોમાં પણ હોય છે.

ડોક્ટરોમાં અને રુગ્ણાલયોમાં વાસ્તવમાં કેવા કરાર હોય છે તે આપણને ખબર નથી. પણ ડોક્ટરને તેની ભલામણથી દાખલ થયેલા કે દર્દીએ પસંદ કરેલા કે રુણાલયે સૂચવેલા ડોક્ટરની વીઝીટના પૈસા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભોગવા પડે છે. આનું સારું પાસુ એ છે કે દર્દીને જે તે ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ મળી શકે છે. જો ઓપરેશનની સંડોવણી હોય તો સર્જનને હોસ્પીટલ તરફથી સામાન્યરીતે નિશ્ચિત કરેલી રકમ મળે છે. અને ઘણી વખત એક કરતાં વધુ ઓપરેશનો પણ કરવામાં આવે છે.

જો દર્દીને ગંભીર બિમારી હોય તો ડોક્ટરોની અને હોસ્પીટલની દાઢ સળકે છે. દર્દીને રીતસર ચીરી જ નાખવામાં આવે છે. જ્યારે દર્દી મૃત્યુની નજીક જ હોય દર્દીના સગાં પણ જાણતા હોય કે દર્દ બહુ ગંભીર છે અને સાજા થવા વિષે કશું કહી શકાય તેમ નથી અને જો તમે હોસ્પીટલ માટે અજાણ્યા હો અથવા તો હોસ્પીટલ તમારે માટે અજાણી હોય તો તમને હોસ્પીટલ ચૂસી લેશે. જે દર્દી તમારી સાથે વાતો કરતો કરતો હોસ્પિટલમાં દાખલ થયેલો તે સ્ટ્રેચરમાં હોસ્પિટલમાંથી બહાર નિકળશે.

ધારોકે તમારા દર્દીને ઓપરેશન કરવવું પડશે તેવું નક્કી થયું

તમારો દર્દી હોસ્પીટલમાં દાખલ થાય તે પહેલાં કેટલાક ટેસ્ટ તમારે ફરીથી કરાવવા પડશે. તેમાંના કેટલાક કે બધા જ ટેસ્ટ તમે અગાઉ કરાવ્યા હશે તો પણ તમારે તે ફરીથી કરાવવા પડશે અને હવે તે બધા તમારે હોસ્પીટલ વાળા કહે તે લેબોરેટરીમાં કરાવવા પડશે. કારણ કે હોસ્પીટલ ને બીજી લેબોરેટરીઓ ઉપર વિશ્વાસ નથી હોતો. અમુક ટેસ્ટ હોસ્પીટલ જાતે પોતાની લેબોરેટરીમાં કરશે. ભલુ હશે તો હોસ્પીટલ વાળા તમને ઓપરેશના એક દિવસ અગાઉ તમારા દર્દીને હોસ્પીટલમાં દાખલ કરી દેવાનું કહેશે. તો વળી કેટલીક હોસ્પીટલો તમને તમારા દર્દીને તાત્કાલિક જ દાખલ કરી દેવાનું કહેશે.

હોસ્પીટલ વાળા તમને ક્યારે ક્યારે કેટલા પૈસા જમા કરાવો એ અને બીજું બધું, શું શું કહેશે તે બધી વાત જવા દો.

હોસ્પીટલવાળા તમારી પાસે રુમ ચાર્જ લેશે, દવાનો ચાર્જ લેશે, ડ્રેસીંગનો ચાર્જ લેશે, ડોક્ટરનો ચાર્જ લેશે, ઓપરેશન હૉલનો ચાર્જ લેશે, ઓપરેશનનો ચાર્જ લેશે, ઓપરેશના શસ્ત્ર-અસ્ત્રોનો ચાર્જ લેશે, એનેસ્થેસીયાનો ચાર્જ લેશે, ઓપરેશન પછી દર્દીને આઈ.સી.યુ.માં રાખશે એટલે તેનો પણ ચાર્જ લેશે. દર્દીને તેના રુમમાંથી ઓપરેશન માટે બહાર કાઢ્યા પછી અને ઓપરેશ બાદ વાયા આઈ.સી.યુ. ફરીથી દર્દીની રુમમાં લાવ્યા સુધીનો (જો જીવતો રહ્યો હોય તો) રુમનો ચાર્જ લેશે. જો દર્દી ઉપરનું ઓપરેશન સફળ થયું હોય તો તેને થોડા દિવસ વધુ (કેટલીક વાર બીજો નવો બકરો ન આવે ત્યાં સુધી) રુમમાં રાખવામાં આવશે. અને તેનો પણ અગાઉના જેટલો જ ચાર્જ લેશે.

હવે જો ડોક્ટર દયાળુ હશે તો તમને સાચી વાત કહેશે. જોખમની સમજણ આપશે. અને બધું તમારા ઉપર છોડશે. જો આમ ન હોય તો દર્દીને હોસ્પીટલામાં ક્યાં સુધી રાખશે તે ભલભલા જ્યોતિષશાસ્ત્રીઓ પણ કહી શકશે નહીં. એવું પણ જાણવા મળ્યું છે કે વેન્ટીલેટર નામનું ઉપકરણ હોસ્પીટલોને ઠીક ઠીક કમાણી કરાવે છે.

મેડીકલ કાઉન્સીલ

મેડીકલ કાઉન્સીલનો આમ તો ધારે તો ઈલેક્સન કમીશ્નર જેવો રોલ કરી શકે છે. શેષન જેવો કોઈ ધૂની ઈલેક્સન કમીશ્નર પાકી શકે છે પણ તેના જેવો ક્રાંતિકારી મેડીકલ કાઉન્સીલનો ચેરમેન પાકી શકતો નથી. દવાઓ યોગ્યરીતે બનાવાય છે કે નહીં, યોગ્યરીતે પ્રદર્શિત કરાય છે કે નહીં, યોગ્ય ભાવે વેચાય છે કે નહીં વિગેરે ઉપર તેણે નજર રાખવાની હોય છે. હવે જો સરકાર જ જો જાણી જોઇને આંખ આડાકાન કરતી હોય તો મેડીકલ કાઉન્સીલ શું કામ લૂંટમાં સામેલ ન થાય? આ બાબતમાં બાબુભાઈનો એક કેસ આર્ટીકલ વાંચી લેવો. URLhttp://treenetram.wordpress.com/2011/11/19/babubhai-thakkar-submits-application-to-prosecute-man-mohan-singh/

મેડીકલ કાઉન્સીલમાંના એક હોદ્દેદાર થવા જે કરોડ રુપીયાનો લાંચનો કિસ્સો વર્તમાનપત્રોમાં આવેલ એજ બતાવે છે કે મેડીકલકાઉન્સીલમાં કેટલા ઘી કેળાં છે.

ટૂંકમાં આજના સમયમાં માંદા પડવું એ એક મોટો ગુનો છે.

આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને  રોકવાનો ઉપાય શું?

આમાં મુખ્ય કઈ કઈ બાબતો છે જેને લક્ષમાં લેવી જોઇએ.

રોગ લાગુ પડવાના કારણો કયા કયા છે?

૧ વાઈરસ થી થતા રોગોઃ આમાં શરીરની અંદર કાયમ રહેતા વાઈરસને આપણી પ્રતિકારત્મક શક્તિ નુકશાનકારક રીતે વધુ સક્રીય થતા રોકી રાખે છે. બીજા વાયરસ બહારના વાતાવરણમાંથી આપણા શરીરમાં પ્રવેશે છે. જોકે તે કેટલા શક્તિશાળી છે તે આપણે સમજી શકતા નથી. જો આપણે માંદા પડીયે તો સમજી લેવું કે તે વાયરસ સામે આપણી પ્રતિકારાત્મક શક્તિ હારી ગઈ. એટલે આપણે તેનો ઉપચાર કરવો પડશે.

૨ જંતુ જન્ય રોગોઃ જોકે આનાથી થતા આક્રમણની સામે પણ આપણી પ્રતિકારત્મક શક્તિ રક્ષણ આપે છે. પણ આમાં પણ હાર અને જીત હોય છે. આ રોગ પણ આમ તો વાયરસ જેવો ગણાય. પણ આ ગંદકીને લીધે અને અશુદ્ધિને લીધે થાય છે.

૩ ખરાબ આદતોથી થતા રોગોઃ ખરાબ આદતો જેવી કે દારુ, રોગીષ્ઠ નોનવેજ, તમાકુ, ઘરની અશુદ્ધિ, અતિ-આહાર, અકુદરતી આહાર વિગેરેથી પણ માંદા પડાય છે.

૪ વારસાગત રોગોઃ આ રોગો આમ તો નંબર ૧ સાથે સરખાવી શકાય. પણ કુદરતી આહાર દ્વારા તેને નબળા પાડી શકાય એવી એક માન્યતા છે.

૫ ખોટા ઈલાજોથી થતા રોગોઃ આપણા એક માનનીય કાંતિભાઈ ભટ્ટે આ બાબતમાં દિવ્યભાસ્કરમાં એક સારો લેખ લખ્યો છે. તેઓ અભિનંદનને પાત્ર છે. આ લેખ બધાએ જરુર વાંચવો. જેમાંનું એક તારણ છે કે ૯૫ ટકા દવાઓ ખોટી દવાઓ છે. એટલે ટૂંકામાં સમજી જાઓ કે મેડીકલ ક્ષેત્રે કેટલી જાહોજલાલી છે.

આ સિવાય રોગ થવાના બીજાં કારણો કયા છે?

ખોરાકની જગ્યાની અસ્વચ્છતા અને હવાની અસ્વચ્છતાઃ

તમે જાહેર શૌચાલયો જોયા જ હશે. દુર્ગંધથી તમારું માથૂં ફાટી જશે.આજગ્યાની હવાના જંતુઓ હવા દ્વારા દૂરદૂર જવાના જ. અસ્વચ્છતા માટે સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થા જવાબદાર છે. બંનેના આરોગ્યખાતાંઓ ફક્ત મોટી રેસ્ટોરાંઓ ઉપર પૈસા આપવાથી કે ઉપરી અધિકારીના કહેવાથી રેડ પાડે છે. મેં વિશ્વસ્ત સ્રોતો તરફથી સાંભળ્યું છે કે રુપીયા પાંચ હજાર આપો અને મ્યુનીસીપાલીટી વાળા પાસે રેડ પડાવો. જોકે આ ભાવ પાંચ વર્ષ પહેલાંનો હતો અને અમદાવાદનો હતો. રેડ પડ્યા પછી તમારે જોવાનું નહીં કે પછી સ્થાનિકસ્વરાજ વાળા શું કરશે.

ગામના રસ્તાઓ ઉપર, ફૂટપાથો ઉપર, પાર્કીંગની જગ્યાઓ ઉપર લારી, મારુતીવાન રાખીને થતા, ખુરશી ટેબલ સાથે કે ખૂરશી ટેબલ વગર વેચાતા અને ત્યાંજ ટેસથી ખવાતા ફાસ્ટફુડ કે જેઓ આવા ધંધા દ્વારા લખપતિઓ થયા તે તો આરોગ્ય ખાતાઓને દેખાતા જ નથી. જાણીતા ખુમચા વાળા પણ લખપતિ થયા છે. અને અજાણ્યા ખુમચાવાળા પણ લખપતિ થવાની લ્હાયમાં છે. આરોગ્યખાતાવાળા તો કરોડપતિ થઈ ગયા છે અને હવે તેમને ડબલ ફીગરના કરોડમાં આવવું છે. જ્યારે હેપીટાઈટીસ કે કમળો ફાટી નિકળશે ત્યારે આ સરકારી બારદાનો આ રોગોના કારખાનાઓને કામચલાઉ બંધ કરાવશે અને મોટા હોર્ડીંગો બનાવી લોકોને આરોગ્ય જાળવવાના ઉપદેશો આપશે અને સુકા રસ્તાઓ ઉપર પણ ડીડીટીનો (રામજાણે આ પાવડર કેટલો શુદ્ધ હશે) પાવડર છાંટશે.

ઉપાય

ઉપાય એજ છે કે જે કોઈ કોમર્સીઅલ કોંપ્લેક્ષ હોય તેમાં આવા લોકો માટે જગ્યા અનામત રાખવી જોઇએ. અહીં પણ સ્વચ્છતાના નિયમો ઘડી, સીસીકેમેરા ગોઠવવા જોઇએ. રસ્તા, ફુટપાથ અને અન-અધિકૃત જગ્યાઓ ઉપર કોઈ ખાણી પીણી વેચવાની છૂટ જ ન હોવી જોઇએ. મોદીકાકાની સરકાર રસ્તાઓ ઉપર સીસીકેમેરાને ગોઠવવાની યોજના બનાવી રહી છે. પણ આ યોજના સરકારી બારદાની અધિકારીઓ કેવીરીતે અમલમાં મુકશે તે જોવાનું છે. ખોરાકમાં વપરાતું રૉ-મટીરીયલ પેક્ડ અને સ્ટન્ડર્ડ કંપનીનું જ હોવું જોઇએ.

જેનેટિક બિયારણ અને પાકોઃ

સર્વોદયવાદીઓએ આ અકુદરતી ખાતરોના ઉપયોગ, જંતુનાશક દવાઓના  ઉપયોગ અને હાઈબ્રીડ બીયારણોના ઉપયોગ વિષે ઘણું લખ્યું છે. લોકોને કેન્સર, થાઈરોઈડ જેવા રોગ  થવામાં આ વસ્તુઓ ભાગ ભજવે છે તે નકારી ન શકાય.

જમીન અને જગ્યાઃ

જનતાને રોગગ્રસ્ત કરવામાં સરકારી અધિકારીઓ જવાબદાર છે. લોકો પોતાના ઘર તો મોટે ભાગે સ્વચ્છ રાખે છે પણ તેજ લોકો સામાન્ય વપરાશની જગ્યાઓ એટલે કે લીફ્ટ, પેસેજની જગ્યા, ગલીઓ, રસ્તાઓ, ફૂટપાથો ઉપર થૂકે છે, પાન-તમાકુની પીચકારીઓ કરે છે, પાણી રેડે છે, કચરો નાખે છે અને ખાદ્ય પદાર્થો પણ નાખે છે. આનું કારણ એજ છે કે તેમને કોઈ દંડતું નથી. સીસી કેમેરા ગોઠવી તેમને દંડો અને આ દંડ માટે તેમને ઉધારની પાવતી (ટીકીટ) પકડાવી દો. જો ત્રણ માસમાં ન ભરે તો તે વર્ષના  તેમના હાઉસ ટેક્ષમાં દંડ અને બાંધી મૂદતમાં ન ભરવા બદલની પેનલ્ટી તરીકે ઉમેરી દો. હાઉસીંગ સોસાઈટીઓને પણ તેમના ક્ષેત્રમાં ચોક્ખાઈનો અમલ કરવાનું આ રીતે જ કહી દો.

સ્વચ્છ પાણીઃ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બંધારણીય ફરજ છે કે પીવાનું પાણી સ્વચ્છ હોય. ચૂટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે કે તેઓ નિયમિત રીતે પોતાના વિસ્તારને મળતું પાણી શુદ્ધ છે તેની લેબોરેટરી દ્વારા આરોગ્ય ખાતાએ ટેસ્ટ કર્યું છે કે નહીં તેની ચકાસણી કરે. અને જો ક્યારેય પણ એવું સાબિત થાય કે ફલાણા દિવસે પાણીનો ટેસ્ટ રીપોર્ટ બરાબર ન હતો, તો કન્ઝ્યુમર કોર્ટ સ્થાનિક સ્વરાજ સંસ્થાનો દંડ કરે. જરુરી નથી કે કોઈ માણસ માંદો પડે અને તે સિદ્ધ કરે કે તે અશુદ્ધ પાણીથી જ માંદો પડ્યો છે. પણ ધારો કે જો એવું સાબિત થાય તો સ્થાનિક સ્વરાજની સંસ્થા નુકશાની પણ ભોગવે.

શાકભાજીનું વેચાણ

શાકભાજી વેચવા વાળા રોડ ઉપર લારીમાં શાક વેચતા હોય છે. આ બંધ થવું જોઇએ. કારણ કે અગાઉ આપણે જોઇએ ગયા તેમ રોડ ઉપર વેચવું એજ ગુનો છે (આ ગુનો આમ તો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ છે). એક દાખલો રસપ્રદ છેઃ

અમદાવાદમાં અંકુર થી રન્નાપાર્ક ના રસ્તા ઉપર શાસ્ત્રીનગર પાસે રસ્તા ઉપર સાંજે શાકભાજીની વાળાની લારીઓને કાયદેસર કે ગેરકાયદેસર રીતે ધંધો કરવાની છૂટ આપેલી છે. હવે જો આવી મર્યાદિત સમય પુરતી છૂટ આપવામાં આવી હોય તો તેને માટે રોડ ઉપરની જગ્યા જ શા માટે રાખી? શાસ્ત્રીનગરમાં જ ત્રણ મેદાનો છે. એટલું જ નહીં પણ શાસ્ત્રીનગરની સામે જ સરકારી પડતર જમીન પડી છે. ત્યાં શું કામ શાકભાજીની લારીઓ વાળા માટે ગોઠવણ ન થઈ શકે? શહેર સુધરાઈવાળા તેને કામ ચાલાઉ ધોરણે ભાડે લઈ શકે અને શાકભાજીની લારીઓ વાળા પાસેથી ભાડું વસુલ કરી શકે. ખાલી જમીનના માલિકને પણ કમાણી થાય, શહેર સુધરાઈને પણ કમાણી થાય અને લારીવાળા પણ રળી શકે. હાજી પણ ગુન્ડા અને સરકારી સેવકોના હપ્તા બંધ થઈ જાય.

આથી પણ વિચિત્ર વાત નવી મુંબઈના સીડાકોની ટાઉનશીપ (બેલાપુર)ની છે. અહીં સેક્ટર ૯-૧૦માં સીડકોએ શાકમાર્કેટ કરી છે. પણ શાકમાર્કેટમાં ઢોર રખાય છે. અને શાકભાજીની લારીવાળા બહાર રોડ ઉપર શાકભાજી વેચે છે. આવું કેવી રીતે છે? કારણ કે દુકાનોના કૉલાઓનું ભાડું જે કંઈ હોય તેના કરતાં હપ્તાની રકમ ઓછી હોય રાખવામાં આવી હોય છે. વળી આપણા દેશમાં ઢોરોના માલિકોને ઢોર રખડતા મુકી દેવાની અલિખિત છૂટ છે. તેથી ગોપાલો આનો લાભ શા માટે ન લે?

આવું જ આપણા ગાંધીનગરના કેટલાક ચીપ શોપીંગ સેન્ટરોમાં જોયેલું છે. જેમાં ચીપ શોપીંગ સેન્ટરોની દુકાનો ખાલી રહે અને બહાર લારી ગલ્લા વાળા ધંધો કરે.

અમદાવાદ ના નવા હાઈકોર્ટ સંકુલમાં પણ કંઈક આવું જ હતું. કેન્ટિન ખાલી હતી અને તેના વચ્ચેના ચોગાનમાં રીસેસમાં ખૂમચાવાળા ખાણી પીણીનો ધંધો કરતા હતા. કદાચ આ કામ ચલાઉ હશે. પણ તે ક્ષમ્ય નથી.

સરકાર શું કરી શકે?

મેડીકલ તો મફત જ હોવું જોઇએ. મેડિકલટ્રીટમેન્ટના વીમાવાળી વાત એક એજન્સી વધારવાની વાત છે. એટલે કે જમવામાં એક સંસ્થાનો ઉમેરો. મેડીક્લેમની જોગવાઈએ હોસ્પીટલોના બીલ આસમાને પહોંચાડી દીધા છે અને ખાયકી વધારી દીધી છે.

દરેક વ્યક્તિનો મેડીકલ ઈતિહાસ ફરજીયાત હોવો જોઇએ. અને જેમ ઈન્કમ ટેક્સ વાળા પાન-કાર્ડ દ્વારા અને ઈન્કમટેક્સ રીટર્ન દ્વારા જનતાના અને કંપનીઓના નફા ઉપર નજર રાખે છે તેમ દર્દીને થયેલી ચિકિત્સાની બધી જ વિગત ઉપચારો, દવાઓ, ચિકિત્સકો, રૂપીયા આના પાઈ અને વિડીયો ક્લીપ સહિત  કેન્દ્રસ્થ રહેવી જોઇએ. જે કોઈ ચિકિત્સક જે કંઈ ચિકિત્સા કરે જે કંઈ ચાર્જ કરે તે બધું જ તેણે અપલોડ કરવું જોઇએ. આને માટે એક સોફ્ટવેર અને પ્રણાલી બનાવી શકાય. મેડીકલ કાઉન્સીલ આનું અમુક ટકામાં અવલોકન કરે. અને અથવા જો દર્દીને કે તેના સંડોવાયેલા સગાંને ચિકિત્સાની યોગ્યતા, ગુણવત્તા અને ચાર્જ વિષે ચેક કરવા જેવું લાગે તો મેડીકલ કાઉન્સીલનો અભિપ્રાય માગી શકે. મેડીકલ કાઉન્સીલ તેનો ચાર્જ લઈ અભિપ્રાય આપે અને જો તેમાં ક્ષતિ લાગે તો તે ચિકિત્સાલય અને ચિક્તિત્સકને દંડી શકે.     

આપણે પોતે શું કરી શકીએ?

રોગ ન આવે તેવી જીવન શૈલી રાખો. આ તો શિખામણ થઈ. આ કેવી રીતે પળાય?

હવાઃ ડમરો વાવો. તુલસી વાવો. અને કડવા લીમડાનો ધુમાડો થોડો કરો.

પાણીઃ પાણી થી જ મોટા ભાગના રોગ થાય છે. જાડા કપડાથી ગાળેલા પાણીમાં ફટકડી ફેરવો. જંતુ થકી થતા રોગો સામે રક્ષણ મળશે. પાણીને ઉકાળો અને ઠરવા દો. કેટલાક ક્ષાર અદ્રાવ્ય થશે અને નીચે બેસી જશે. ક્ષાર હશે તો પથરી સામે રક્ષણ મળશે નહીં. તે માટે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો પણ છે. લીંબુના ટીપાં, મધના ટીપાં અને કકોણું પાણી ના મિશ્રણમાં તજનો પાવડર એક નાની ચમચી નાખો અને તેનું નીત્ય સેવન કરો.

પાણી દિવસ દરમ્યાન ચાર લીટર તો પીવું જ જોઇએ. સવારે ઉઠીને તૂર્ત જ ચાર કપ પાણી પીવો. અર્ધા કલાક પછી ચા કે ગરમ દૂધ પીવો. કલાક પછી બીજા ત્રણી ચાર કપ પાણી પીવો. સવારે ચાલવા જાવ કે કસરત કરો. દર બે કલાકે બે કપ પાણી પીવો.

કુદરતી આહારઃ જુના જમાનામાં કોઈ બહારનું જમતા નહીં. સૌ કોઈ ભાથું લઈને જતા. આજે પણ ઘણા લોકો ટીફીન-ડબ્બો લઈને જાય છે. ઘરે જ રાંધેલું જમો. જો તમે એકલા હો કે બેકલા રાધવાનું શીખી લો. ખીચડી, ભાખરી અને શાક એ સહેલી વાનગીઓ છે અને પૌષ્ટિક પણ છે. જો આ વાનગીઓ ન ભાવતી હોય તો ભૂખ્યા રહો. જ્યારે ખૂબ ભૂખ લાગે અને જ્યારે એવું લાગે કે હવે તો જમ્યા વગર રહેવાશે જ ત્યારે આ ખીચડી, ભાખરી અને શાક ખાવ. ભૂખ્યા થાવ અને ખાવ. બધી ટેવ પડશે.

શ્રેષ્ઠ શાકઃ કોઈપણ શાક લો. તેના કટકા કરો. છાલ કાઢવી હોય તો કાઢો અને ન કાઢવી હોય તો ન કાઢો. તેને સોલર કુકરમાં પાણીમાં બાફો. પછી તેમાં થોડું મીઠું નાખો અથવા ન નાખો. એક વાનગી તરીકે સવારે કામે જતી વખતે ખાવ અથવા લંચમાં ખાવ. ટેવ પડશે તો તેના વગર ચાલશે નહીં.

ફળાહારઃ જો ડાયબીટીસ ન હોય તો બધાં જ ફળો ખાઈ શકાય. સવારે બ્રેકફાસ્ટમાં ૫૦ થી ૧૦૦ ગ્રામ ફળ ખાવ. મનુષ્યનો ખોરાક વાસ્તવમાં અનાજ છે જ નહીં. માંસાહાર ની તો વાત જ ન કરશો. કારણ કે મનુષ્યનું શરીર જેમકે નખ, દાંત અને હોજરીની રચના માંસાહારી પ્રાણીઓથી અલગ છે. આમ તો અનાજ પણ મનુષ્ય માટે નથી. અનાજ ઢોર માટે છે. મનુષ્ય બહુ બહુ તો પોંક ખાઈ શકે. રસાદાર ફળો અને મેવા સીંગદાણા, બદામ, આલુ, અખરોટ, તલ, વિગેરે જેવા પોચાં ઉત્પાદનો મનુષ્ય માટે યોગ્ય છે. મનુષ્યને દાઢો આપી હોવાથી તે ખૂબ ચાવીને આ બધું કાચું જ પચાવી શકે છે. અનાજ અને ફળ વચ્ચે ભેદ પાડવાનો હેતુ જ એ છે કે અનાજ અકુદરતી આહાર છે. પણ અગ્નિનો ઉપયોગ મનુષ્યને આવડ્યો એટલે તે અનાજને પાચ્ય બનાવી શક્યો છે. આ જ વાત માંસને લાગુ પડે છે. પણ આ બંને વગર મનુષ્ય ચલાવી શકે. અને કામ કરતાં કરતાં સો વર્ષ જીવી શકે. (કુર્વન્નેવ હિ કર્માણી જીજીવિષેત્‌ શતંસમા – ઈશાવાસ્ય ઉપનિષ‌ત્‌).

શાક ભાજી અને ફળાહાર દ્વારા રોગમુક્તિના ઘણા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે.

કાન્તિભાઈ શાહ દ્વારા લિખિત કુદરતી ઉપચારનું પુસ્તક પણ ઉપલબ્ધ છે.

ઉપવાસ અકસીર ઈલાજ છે.

ધારો કે માંદા પડ્યા. તો બે થી ચાર નકોરડા ઉપવાસ કરી નાખો. કુદરતી ઉપચાર કરો. ગાંધીજીએ પાણી અને માટીના ઉપચારો સૂચવ્યા છે. કાન્તિભાઈ શાહે કુદરતી ઉપચારો સૂચવ્યા છે. આયુર્વેદે જડીબુટ્ટીના ઔષધો સુચવ્યા છે.

જો થોડા સમયમાં રોગ ન મટે તો પછી એલોપથીના ડોક્ટરકાકા તો છે જ.

મનુષ્યનું આયુષ્ય લગભગ નિશ્ચિત છે. આ આયુષ્ય તમારા માતાપિતાના આયુષ્યથી પાંચ થી પંદર વર્ષ આઘું પાછું થઈ શકે છે. જો ખરાબ આદતો હોય તો આયુષ્ય ઘટે.

એક વાત સમજવાની છે કે આપણું શરીર શું છે? તે સમજીને તેની કાળજી લો.

બાહ્ય અંગોઃ બાહ્ય અંગો જેમકે ચામડી, આંખ, કાન, નાક અને દાંત. તેની સ્વચ્છતાની કાળજી લો.

પાચન તંત્રઃ કુદરતી આહાર, ઉપવાસ અને પાણી દ્વારા તેને સ્વચ્છ રાખો

લોહી અને કીડનીઃ સ્વચ્છ, પૂરતું પાણી અને લીલી હળદર લોહીને સ્વચ્છ રાખે છે.

માંસપેશીઓ અને નસોઃ વ્યાયામ અને શ્રમ નસોને તંદુરસ્ત રાખે છે.

ફેફસાં અને લોહીની નળીઓઃ કફ અને કોલેસ્ટ્રલ ન થાય તેવો આહાર લેવો. પ્રાણાયમ કરવાથી ફેફસાં ચોક્ખાં રહે છે.

ન્યુરોન અને જ્ઞાન તંતુઓઃ મગજને સક્રીય રાખવાથી એટલે કે જ્ઞાન પ્રાપ્તિથી તેઓ પણ તંદુરસ્ત રહે છે.

સમગ્ર શરીર કોષોનું બનેલું છે. આ બધા કોષ તેમને મળતા પ્રાણવાયુને કારણે જીવિત રહે છે. લોહી, દરેક કોષને પ્રાણ વાયુ પહોંચાડે છે. પ્રાણાયમ એ શ્વાસ-ઉચ્છવાસની કસરત છે. જો તમે લાંબો ઉચ્છવાસ કરો તો તમે લાંબો શ્વાસ પણ લઈ શકશો. લાંબા શ્વાસોચ્છવાસ દરેક કોષને વધુ ઓક્સીજન પહોંચાડે છે. તેથી કોષ સક્રીય રહે છે. આ કારણથી શરીરની દરેક ક્રીયાઓની કાર્ય શક્તિ વધે છે. એટલે જ પાતંજલીએ સૌ પ્રથમ શ્લોક એમ આપ્યો છે કે “યોગઃ કર્મષુ કૌશલમ્‌”. આપણું સમગ્ર શરીર કોષોનું બનેલું હોય છે. બધા જ કાર્યો જાતજાતના કોષોના સમૂહો કરતા હોય છે. એટલે યોગ કરવાથી સૌ કોષો પોતાનું કામ સારી રીતે કરી શકે છે અને તેથી કાર્યમાં કુશળતા આવે છે.

યોગ વિષે બીજી અફવાઓમાં પડવું નહીં. યોગ કરવાથી ચમત્કારો થઈ શકે છે તે બધા ગપગોળા છે. જીવન આનંદ માટે છે. એટલે બીજાને કાયદેસર નુકશાન કર્યા વગર આનંદ થી જીવો.

વિચારો, મન અને બુદ્ધિઃ આપણને જે ગમે તે મન અને એ ગમાડવામાં આપણે જે નિર્ણય લઈએ અને સ્વિકારીએ તે સ્મૃતિ અને મગજ. આ સૌ કોષોનું બનેલું છે. વારંવાર (અભ્યાસ દ્વારા) કરવા થી તેને કેળવી શકાય. આમ તો આપણું શરીર કોષોનું બનેલું છે અને કોષો રસાયણના બનેલા છે. આ રસાયણોમાં થતા ફેરફારો આપણા વિચારો અને ખોરાક ઉપર આધાર રાખે છે અને રસાયણો પણ આપણા મન અને વિચારો ઉપર અસર કરેછે. આ અરસ પરસનો સંબધ છે.

તમે કહેશો કે આમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ક્યાં આવ્યો?

બીજા ક્રાઈમોમાં આપણો હિસ્સો કે જવાબદારી ચાર ટકા થી વધુ હોતી નથી. જોકે ઘણા નિરાશાવાદીઓ તેમાં પણ જનતાનો વાંક જુએ છે. પણ એ બધા ગુનાઓ તો સરકાર પોતાની ફરજ બજાવીને આપણને સુધારી શકે પણ આપણી તંદુરસ્તી માટે આપણે કમસે કમ ૨૫ ટકા થી ૭૫ ટકા તેથી વધુ ગુનેગાર છીએ. એટલે કે આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં આપણે આપણી બેવકુફીથી સામેલ છીએ. જેમકે લોટરી ની ટીકીટ ખરીદવી કે ન ખરીદવી તે માટે આપણે ૧૦૦ ટકા જવાબદાર છીએ. તેમ આપણે આપણી તંદુરસ્તી માટે તો કમસે કમ ૨૫ટકા જવાબદાર છીએ.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ મેડીકલ કાઉન્સીલ, આરોગ્ય, ખાણીપીણી, લારી, ગલ્લા, ખૂમચા, શાકભાજી, હપ્તા, સરકારી, ગંદકી, હવા, પાણી, ખોરાક, શ્વાસોચ્છવાસ, યોગ, કુશળતા, કોષ, શોપીંગ, સંકુલ, વિચાર, મન, બુદ્ધિ, જવાબદાર

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE