બલદેવપરી બ્લોગ: તમે કોની સામે રડી શકો છો?

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Friday 7 June 2013

તમે કોની સામે રડી શકો છો?

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
અય મહોબ્બત તેરે અંજામ પે રોના આયા, જાને ક્યું આજ તેરે નામ પે રોના આયા,
યું તો હર શામ ઉમ્મીદો મેં ગુજર જાતી થી, આજ કુછ બાત હૈ જો શામ પે રોના આયા.
-શકીલ બદાયુની

કોઈ આંખ ક્યારેય એમ જ ભીની થતી નથી. આંખોની પણ મોસમ હોય છે. ક્યારેક આંખ સુકાઈ જાય છે તો ક્યારેક આંખ છલકાઈ જાય છે. ક્યારેક આંખમાં ઉકળાટ અંજાઈ જાય છે અને ક્યારેક અજંપો. દિલ દેખાતું નથી પણ દિલમાં શું ચાલે છે એ આંખમાં ઝીલાઈ જતું હોય છે. કોઈ આંખ એમ જ હસતી હોય છે. આંખ રમતિયાળ છે. આંખો રમતી રહે છે. જિંદગીની કોઈ રમતમાં આંખ હારે છે અને અને કોઈ રમતમાં આંખ જીતે છે. જીત વખતે આંખ ચમકે છે અને હાર વખતે આંખ રડે છે.
યાદ કરો, તમે છેલ્લે ક્યારે રડયા હતા? એકલા રડયા હતા કે કોઈની સામે રડયા હતા ? રડવું પણ હસવા જેવી જ સહજ ક્રિયા છે છતાં માણસ બધાની સાથે હસી શકે છે પણ કોઈની સામે રડી શકતો નથી. આંસુ જોવાનો અધિકાર માણસ બધાને આપતો નથી. આંસુને વાંચી શકે એ જ માણસ આંસુને સમજી શકતો હોય છે. દરેક માણસને ક્યારેક તો રડવું આવતું જ હોય છે. જે સાચું રડી શકતો નથી એ ક્યારેય સાચું હસી પણ શકતો નથી. હસવા કરતાં રડવામાં વધુ સહજતા જોઈએ છે.
હસવા વિશે એવું કહેવાય છે કે જે માણસ ક્યારેય હસતો ન હોય એનો ભરોસો ન કરવો. આ જ વાત રડવાને લાગુ પડી શકે કે નહીં? તમારી અત્યંત નજીકની વ્યક્તિ જો ક્યારેય તમારી પાસે રડી શકી ન હોય તો માનજો કે હજુ તમારા સંબંધોમાં કાંઈક ખૂટે છે. હસવાની જગ્યા અસંખ્ય હોય છે પણ રડવાના ખૂણા અને ખભા બહુ ઓછા હોય છે. જેની સામે તમે રડી શકો એવી વ્યક્તિ જો તમારી પાસે હોય તો તમે નસીબદાર છો.
હસવું અને હાસ્યાસ્પદ બનવામાં ફર્ક છે. ઘણાં લોકોને તો હળવાશથી હસતા પણ આવડતું હોતું નથી. ક્યારે હસવું અને કઈ વાત પર હસવું એના ઉપરથી માણસનું કદ મપાતું હોય છે. જેની સેન્સ ઓફ હ્યુમર પાવરફુલ હોય છે એ માણસનું હસવું પણ તાર્કિક અને માર્મિક હોય છે. જોકે અત્યારે નોનસેન્સ ઓફ હ્યુમર ધરાવતા લોકો ટોળામોઢે છે. હસવામાં ગૌરવ હોવું જોઈએ અને તેનાથી પણ વધુ ગ્રેસ રડવામાં હોવો જોઈએ. ખોટી રીતે હસતા લોકો હસમુખા નહીં પણ વેખલા હોય છે અને ખોટી રીતે રડતા લોકો ભોળા નહીં પણ વેવલા હોય છે.
રડવું એ સંવેદનાની પરાકાષ્ઠા છે. આંખો વરસે છે ત્યારે સંવેદના ધબકતી હોય છે. કાળું વાદળ વરસે પછી ધોળું થઈ જતું હોય છે,આંખ પણ વરસ્યા પછી નિર્મળ થવી જોઈએ. જિંદગીમાં ઘણી ક્ષણો એવી હોય છે જ્યારે માણસને રડવાનું મન થતું હોય છે. માણસ પાસે જ્યારે રડવા માટે લાયક વ્યક્તિ નથી હોતી ત્યારે એ ખૂણો શોધે છે, બાથરૂમનું બારણું બંધ કરીને રડી લે છે. અચાનક મહેફિલમાંથી કોઈ એક્સ્ક્યુઝ મી કહીને ચાલ્યું જાય છે અને પછી આંખોમાં ચુવાક થાય છે. માણસ બધા સામે રડી શકતો નથી અને ગમે તેની સામે રડવું પણ ન જોઈએ, કારણ કે જે લોકો હાસ્ય નથી સમજી શકતાં એ આંસુ શું સમજી શકવાના? એવા માણસ સામે જ રડવું જ્યાં તમારાં આંસુ સાર્થક થાય.
ઘણી વખત કોઈ કારણ વગર અને ક્યારેક કોઈ નાજુક કારણોસર માણસનો જીવ મૂંઝાતો હોય છે. આવી અવસ્થામાં કોઈ તમારી પાસે આવે તો એક શબ્દ બોલ્યા વગર એને રડવા દેજો. શબ્દોની ત્યારે જરૂર જ નથી હોતી. આંસુ સૌથી વધુ બોલકા હોય છે. એક વિદાય સમારોહ હતો. જે વ્યક્તિ છોડીને જતી હતી એના વિશે બધા સારી સારી અને ડાહી ડાહી વાતો કરતા હતા. દરેક વાત પછી તાળીઓ પડતી હતી. અંગત મિત્રનો વારો આવ્યો. ઊભો થઈ એ માઇક પાસે ગયો. વિદાય લેતા મિત્રની આંખમાં આંખ પરોવી. આંખોમાં આંસુ ઉપસતું જતું હતું. એટલું જ બોલી શક્યો કે, વિલ મિસ યુ... વિદાય લેનાર મિત્ર ઊભો થઈ એને વળગી ગયો. કોઈ શબ્દો વિદાયની વેદના આનાથી સારી રીતે વ્યક્ત ન કરી શકે.
તમે જેને સૌથી વધુ પ્રેમ કરતા હોવ એને સમય આવે રડવામાં પણ મદદ કરજો, કારણ કે હસવામાં મદદ કરનાર લોકો તો ઘણા હોય જ છે. કોઈ પણ વાતથી હસવું આવી શકે છે પણ દરેક વાતથી રડવું નથી આવી શકતું, એક મિત્રએ કહ્યું કે વેદના હોય ત્યારે સાથે મળીને રડવાની પાર્ટી થતી હોત તો? હસવા માટે 'જોક' હોય છે અને રડવા માટે 'શોક'. રડવા માટે પાર્ટી હોઈ ન શકે, કારણ કે માણસ ઇચ્છે ત્યારે હસી શકે છે પણ ઇચ્છે ત્યારે રડી શકતો નથી. આપણે ક્યારેક કોઈની રાહ જોતા હોઈએ છીએ કે એ આવશે તો હળવા થઈ શકાશે, રડવું હશે તો રડી શકાશે. એવી વ્યક્તિ કેટલી હોય છે જેની સાથે તમે ખુલ્લા દિલે લડી શકો અને મન મૂકીને રડી શકો? જો આવી વ્યક્તિ તમારી પાસે હોય તો તમે એને સાચવી રાખજો.
માણસે એટલા હાર્ડ ક્યારેય ન થવું જોઈએ કે ક્યારેય રડી ન શકે. સંતાનો સામે રડવામાં ઘણા લોકો નાનપ સમજે છે, કારણ કે દરેક સંતાન માટે મા-બાપ મજબૂત જ હોય છે, આમ છતાં એવું કહેવાય છે કે જો વાત એવી હોય તો સંતાનો સામે રડવામાં પણ કંઈ ખોટું નથી. ઘણી વખત તો સંતાનોને સાચી પરખ મા બાપનાં આંસુ જ આપતાં હોય છે. જરૂર લાગે ત્યારે હસવાનું દબાવી રાખવું પડે તો દબાવજો પણ રડવાનું દબાવતા નહીં, કારણ કે રડવું વારંવાર અને કારણ વગર આવતું હોતું નથી. રડવાથી દિલ પર જામી ગયેલાં થર ઘણી વખત ઓગળી જતાં હોય છે.
એક બાળકની વાત છે. એ બાળકનાં દાદી ગુજરી ગયાં. વાતાવરણમાં ગમગીની હતી. બાળકને સમજાતું ન હતું કે શું કરવું, એ દાદાના ખોળામાં જઈ દાદાને વળગી પડયો. બાજુના રૂમમાં બેઠેલી માતા દીકરાને જોતી હતી. દીકરો પાસે આવ્યો ત્યારે માતાએ પૂછયું કે તેં દાદાને શું કહ્યું ? એકદમ નિર્દોષતાથી બાળકે કહ્યું કે હું દાદા સાથે કંઈ જ નથી બોલ્યો, મેં તો બસ એમને રડવામાં મદદ કરી. તમે ક્યારેય આ રીતે કોઈને રડવામાં મદદ કરી છે? ભીની આંખો જેવું આશ્વાસન બીજું કંઈ જ હોતું નથી.
પોતાની વ્યક્તિ જ્યારે રડતી હોય ત્યારે શું કરવું એની સમજ પણ ઘણાંને હોતી નથી. ખોટા અને ખોખલા શબ્દોથી સાંત્વના આપવાની માણસ કોશિશ કરતો રહે છે? કેટલી વ્યક્તિ એવી હોય છે જે પોતાની વ્યક્તિ રડતી હોય ત્યારે એક શબ્દ બોલ્યા વિના એની સાથે રડી પડતી હોય? આપણે એવું કહીએ છીએ કે હું તને રડતી કે રડતો નથી જોઈ શકતો પણ આપણે તેની સાથે રડી શકતા નથી.
ડાહ્યો, ઋજુ અને સંવેદનશીલ માણસ જ સાચું રડી શકે છે. તમે પાગલ માણસને હસતો જોયો હશે પણ કોઈ પાગલને રડતો જોયો છે? પાગલ માણસને ક્યારેય રડવાનું મન થતું નહીં હોય? કદાચ થતું હશે, એ સમયે એ કોઈ પાગલ માણસ પાસે જ જતો હશે, કારણ કે રડવા માટે પણ એક 'વેવલેન્થ' ની જરૂર પડતી હોય છે. પાગલને પણ કદાચ એટલી તો સમજ હશે કે કોઈ ડાહ્યો માણસ મારા રડવાને ગંભીરતાથી નહીં લે. આપણે ડાહ્યા માણસના રડવાને પણ કેટલી ગંભીરતાથી લેતા હોઈએ છીએ?
ભાગ્યે જ કોઈની સામે રડતો માણસ જો તમારી સામે રડી શકતો હોય તો એને તમારા પ્રત્યેનું સન્માન સમજજો, બધા લોકો બધાને આવી પ્રાયોરિટી આપતા હોતા નથી. શબ્દો ખૂટી જતાં હોય છે ત્યારે જ માણસ રડી પડતો હોય છે. આવા સમયે મૌન તેની મહાનતા સિદ્ધ કરતું હોય છે. આંસુની એક ઓળખ હોય છે અને આ ઓળખ બહુ ઓછા લોકો પાસે છતી થતી હોય છે. જેને આવી ઓળખ હોય છે એ જ સાચા અર્થમાં 'અંગત' હોય છે.
છેલ્લો સીન :
ખરી અંગત વ્યક્તિ એટલે જે તમારો હાથ પોતાના હાથમાં લઈ, બોલ્યા વગર જ તમને અહેસાસ કરાવે કે તમે જીવનસફરમાં એકલા નથી. -અજ્ઞાત

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE