ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
લૂંટ એણે ગણતરી મૂકીને કરી, હાથ મૂકી ગયો તો નમન લઈ ગયો.
આવડત દાદને પાત્ર સાબિત કરી, ફૂલ માગ્યાં હતાં ને કવન લઈ ગયો.
-ગુલામ અબ્બાસ 'નાશાદ'
સંબંધ માણસના આધારે નક્કી થાય છે અને માણસ એની પ્રકૃતિના આધારે. વેવલેન્થ એક ન હોય ત્યારે સંબંધ સીધી દિશામાં ચાલતો નથી. સંબંધમાં અપડાઉન સ્વાભાવિક છે. બે માણસ હોય તેમાંથી એક સીધી રીતે ચાલતો હોય અને બીજો કુદાકા મારીને ચાલતો હોય તો થોડી જ વારમાં બંને થાકી જાય છે. કાં તો સરળ રીતે ચાલતા માણસે કુદકા મારવા પડે છે અથવા તો કુદાકા મારનારે શાંતિથી ચાલવાની પ્રકૃતિ કેળવવી પડે છે. એડજસ્ટમેન્ટ એ સંબંધનો સૌથી મોટો આધાર છે. જોકે એડજસ્ટમેન્ટનું પણ એવું છે કે એક હદથી વધારે કોઈ માણસ સમાધાન કરી શકતું નથી. પોતાની પ્રકૃતિ ગમે તેવી હોય તોપણ એક સમયે તો એ છતી થઈ જ જાય છે. દરિયા અને ઝરણાં વચ્ચે દોસ્તી ન થાય, કારણ એકની પ્રકૃતિ વહેવું છે અને બીજાની બંધાઈ રહેવું. દરિયો છલકી શકે છે, પણ વહી નથી શકતો.
સુખી થવા માટે બે જ રસ્તા હોય છે. કાં તો એકબીજાને એડજસ્ટ થાવ અથવા છૂટા પડી જાવ. મોટાભાગના લોકો એટલા માટે દુઃખી હોય છે કે એ આ બેમાંથી કંઈ જ કરી શકતા નથી. આવું ન કરે ત્યારે એ એકબીજાને વખોડવાનું અને વગોવવાનું શરૂ કરે છે. આક્ષેપો કરવા એ બળાપો ઠાલવવાનો સૌથી સહેલો રસ્તો છે. આપણને ન ગમતી વ્યક્તિ માટે કોઈ ને કોઈ આક્ષેપ,ફરિયાદ, વાંધા અને નારાજગી તૈયાર જ હોય છે. મોકો મળ્યો નથી કે આપણે ઉતારી પાડવાનું શરૂ કરી દઈએ છીએ.
દરેક સંબંધમાં આપણી પાસે ચોઇસ હોતી નથી. અમુક સંબંધોનો નિર્ણય આપણા હાથમાં હોય છે. દોસ્તી કે સાથે કામ કરનારા સાથેના સંબંધની માત્રા આપણે નક્કી કરવાની હોય છે. દોસ્તીની દુનિયામાં દુહાઈ અપાતી રહે છે. દોસ્તી મહાન છે. હર એક દોસ્ત જરૂરી હોતા હૈ. રાઇટ, જિંદગીમાં દોસ્ત જરૂરી હોય છે, પણ આપણે જેને દોસ્ત સમજીએ છીએ એ દોસ્ત છે કે નહીં એ ઘણી વખત નક્કી કરી શકતા નથી. માનો કે દોસ્ત હોય તોપણ એ દોસ્ત દોસ્તીને લાયક છે કે નહીં એ નક્કી કરવું પડતું હોય છે. સંબંધોના માર્ગ ઉપર સાવધાનીનાં બોર્ડ નથી હોતાં, એ તો આપણે ખુલ્લી આંખો રાખીને નિહાળવાં પડતાં હોય છે.
ઘણી વખત આપણને ખબર હોય છે કે આ માણસ સારો નથી. આપણે એટલા માટે સંબંધ ચાલુ રાખીએ છીએ કે દુનિયા સાથે એ ગમે તેવો હોય, મારી સાથે સારો છેને. આપણે એવું પણ માનવા લાગતા હોઈએ છીએ કે એ બીજા સાથે ભલે ગમે તેવું વર્તન કરે પણ મારી સાથે એવું નહીં કરે. ક્યારેક આપણો સ્વાર્થ પણ આપણને સંબંધ ચાલુ રાખવા માટે લલચાવતો હોય છે. આપણે એ ભૂલી જતાં હોઈએ છીએ કે કેટલાક માણસોની પ્રકૃતિ ક્યારેય બદલાતી નથી. જે માણસ સારો હોય એ સારો જ રહે છે પણ ખરાબ માણસ જ્યારે સારો દેખાવવા મથતો હોય ત્યારે એનાથી સાવચેત રહેવું પડે છે. દરેક માણસમાં સિક્સ્થ સેન્સ હોય છે. એ અંદાજ અને અણસાર આપતી જ હોય છે કે આ સંબંધ જોખમી છે. જોકે આપણે એને ગણકારતા નથી.
ઉપયોગી હોય એનાથી પણ ઘણી વખત સાવચેત રહેવું પડે છે. એક દોસ્ત માટે પતિ-પત્નીને બોલવાનું થયું. પત્નીએ કહ્યું કે તમારો એ મિત્ર સારો નથી. તેની સાથે વધુ સંબંધ રાખવામાં તમે ધ્યાન રાખો. પતિએ ઉદાહરણો આપ્યાં કે આટલા સમયે એ આપણને કામ લાગ્યો છે. પત્નીએ ત્યારે એક સરસ ઉદાહરણ આપ્યું. તેણે કહ્યું કે, હું કિચનમાં રોજ રસોઈ બનાવું છું. ગેસ વગર રસોઈ થતી નથી. ગેસનો ઉપયોગ કરવો જ પડે છે. ગેસ કામનો છે એટલે તમે એનો આંખો મીંચીને ઉપયોગ ન કરી શકો. ગેસની વધુ નજીક જાવ તો દાઝવાનો જ વારો આવે. આપણે બધા આગનો ઉપયોગ કરીએ છીએ, પણ તેનાથી સલામતી તો જાળવતાં જ હોઈએ છીએ. કેટલાક સંબંધો આગ જેવા હોય છે. જો સલામતી ન રાખીએ તો બાળી નાખે.
જેની પ્રકૃતિ બદમાશ છે એ બદમાશ જ રહેવાની છે. દરેક માણસ ઉપર શંકા કરવાનો અર્થ નથી, પણ દરેક માણસ ઉપર આંધળો વિશ્વાસ કરવામાં પણ ડહાપણ નથી. આપણે સમાજમાં કે ઓફિસમાં ઘણાં એવા લોકોને સાથ આપતાં હોઈએ છીએ જે ક્યારેય કોઈની સાથે સારી રીતે વર્ત્યા ન હોય. આપણે એવું વિચારીએ છીએ કે મારી સાથે ક્યાં કંઈ ખોટું કે ખરાબ કર્યું છે? હું શા માટે સંબંધ બગાડું? અમુક વ્યક્તિઓને આવું કહીને જ આપણે મોકા આપતા હોઈએ છીએ. અનુભવ થયા વગર આપણે સમજતા નથી. સંબંધોની સ્પષ્ટતા જરૂરી હોય છે. કોઈનો અહેસાન હોય તોપણ વધુ પડતા ઢળી જવામાં ખતરો મંડાયેલો હોય છે. ઘણા લોકો અહેસાન પણ એ માટે જ કરતા હોય છે કે સમય આવ્યે એની કિંમત વસૂલ કરી શકે.
પ્રેમ વિશે એવું કહેવાય છે કે પ્રેમ આંધળો છે. પ્રેમ કરાતો નથી પણ થઈ જાય છે. પ્રેમમાં હોઈએ ત્યારે પ્રેમના દરેક ઉદાહરણો ગ્રેટ જ લાગતા હોય છે. દરેક પ્રેમી મહાન જ લાગતો હોય છે. એક છોકરીની વાત છે. એને એક યુવાન સાથે પ્રેમ થયો. થોડા સમય પછી ખબર પડી કે એ માણસ તો ક્રિમિનલ છે. તેના ફ્રેન્ડ્સે સમજાવી કે એ માણસ બરાબર નથી. છોકરીએ ફિલ્મી સ્ટાઇલથી દલીલો કરી કે કેમ ક્રિમિનલને દિલ નથી હોતું? એને પ્રેમ કરવાનો અધિકાર નથી હોતો? એ દુનિયા માટે ગુનેગાર હશે, પણ મારી પાછળ તો પાગલ છે. મારા માટે એ ગમે તે કરી શકે છે. સાચો પ્રેમ એ હોય છે કે જે સાચું હોય એ કરે, ગમે તે નહીં. એ બંનેનો સંબંધ આગળ વધ્યો. એક દિવસ પ્રેમિકાએ કહ્યું કે આપણા મેરેજ માટે મારા ઘરના હા નહીં પાડે તો? પ્રેમીએ કહ્યું , હા શું ન પાડે? તારા માટે ગમે તે કરી છૂટીશ. જો નહીં માને તો તારા ઘરના લોકોને જ પતાવી દઈશ. તારા અને મારા આડે કોઈ આવે એ મને મંજૂર નથી. એ સમયે પ્રેમિકાને સમજાયું કે માત્ર આપણા માટે સારો હોય એ સારો જ હોય એ જરૂરી નથી. એણે ધીમે ધીમે એ સંબંધનો અંત આણી દીધો. અનુભવ થવાની રાહ જોવી એના કરતાં અગાઉથી જ આપણે જેની સાથે સંબંધ બાંધવા જઈ રહ્યા હોય એની ઓળખ મેળવી લેવામાં વધુ શાણપણ છે. ફિલ્મોમાં કે વાર્તામાં સારું લાગતું હોય એ વાસ્તવિકતામાં અઘરું હોય છે. હા, દરેક પ્રેમ અયોગ્ય કે ગેરવાજબી નથી હોતો, પણ દરેક પ્રેમ પરફેક્ટ જ હોય એ જરૂરી નથી.
દુર્યોધન અને કર્ણ મિત્ર હતા. દુર્યોધન દુષ્ટ હતો. કર્ણ દુર્યોધનની પ્રકૃતિ જાણતો હતો. મિત્ર હતો એટલે કર્ણ દુર્યોધનને છોડી શકતો ન હતો. ગમે એવો છે પણ મારો મિત્ર છે, એને હું કેવી રીતે છોડી શકું? સારો મિત્ર હોય અને એ કોઈ મુશ્કેલીમાં સપડાઈ ગયો હોય તો એને મદદ કરવામાં સાચી દોસ્તી છે, પણ આપણને મિત્રની મથરાવટી જ ખબર હોય ત્યારે એટલી પણ સમજ હોવી જોઈએ કે આ માણસ વહેલો કે મોડો એના પગ પર કુહાડો મારવાનો જ છે. કર્ણે દુષ્ટ દુર્યોધનની દોસ્તીનું પરિણામ ભોગવવું પડયું હતું. દોસ્તી તો કૃષ્ણ અને સુદામાની પણ હતી. સુદામા કંઈ બોલ્યા નહીં તોપણ કૃષ્ણ મિત્ર સુદામાના મૌનનો મર્મ જાણી ગયા હતા. ફૂલને કાંટો મારો તો પણ એ સુગંધ આપવાની પ્રકૃતિ છોડતું નથી અને કાંટા ઉપર ગમે તેટલું ફૂલ ફેરવો તોપણ તેની તીક્ષ્ણતા ઘટતી નથી. સંબંધ સો ટકા નિભાવો, પણ થોડુંક એ પણ વિચારો કે એ સંબંધ નિભાવવા જેવો છે કે નહીં.આંધળા રહીને આગળ વધતા રહીએ તો વહેલા મોડા અથડાવવાનો જ વારો આવે છે.
છેલ્લો સીન :
સંબંધ, દોસ્તી અને પ્રેમ એની સાથે જ રાખો જે હાસ્ય પાછળની વેદના, ગુસ્સા પાછળનો પ્રેમ અને મૌન પાછળનાં કારણો સમજી શકે. -અજ્ઞાત
(‘સંદેશ’, તા. 14 જુલાઇ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
No comments:
Post a Comment